વાવના લાલપુરા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યું
- નર્મદા કેનાલના અધિકારીઓની બેદરકારી
- મકાઈ, ઘઉંના પાકમાં ઢીંચણસમુ પાણી ભરાતાં ખેડૂતો ચિંતાતુર,પાક બચાવવા પમ્પીંગ દ્વારા પાણી કાઢવા મજબૂર
પાલનપુર,તા. 20 જાન્યુઆરી 2020,સોમવાર
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો વારંવાર ઓવર
ફ્લો થઈ જાય છે તો વધુ પાણી છોડતાની સાથે જ સરહદી વિસ્તારમાં ગાબડાં પડતા ખેડૂતોના
ખેતરો જળબંબાકાર બની જાય છે. ત્યારે સોમવારે વાવ તાલુકાના લાલપુરા ગામની સીમમાં
પસાર થઈ રહેલી રડકા માઈનોર કેનાલ ૨ ઓવરફ્લો થતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં
ઘૂસતા ખેડૂતોને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કેનાલના પાણી ખેતરોમાં
ઘૂસતા ખેતરમાં ઉભેલા પાકને પારાવાર નકુસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું
હતું. કેનાલના પાણી ખેતરોમાં ઘુસતા સંબંધિત અધિકારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા
મળી રહ્યો છે અને નર્મદા કેનાલના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં એક તરફ તીડ સરહદી વિસ્તારોને ઘમરોળી
રહ્યું છે ત્યારે તે સમસ્યા હજુ ટળી નથી. ત્યાં વાવ તાલુકાના લાલપુરા ગામની સીમમાં
રડકા માઈનોર ૨ કેનાલ સાફ કર્યા વગર નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા પાણી છોડવામાં
આવતા કેનાલ ઓવર ફ્લો થઈ જતા પાણી આસપાસના ખેતરોમાં ઘુસી જતા ખેતરો જળબંબાકાર બની
ગયા હતા. રડકા માઈનોર ૨ કેનાલ ઓવરફ્લો થતાં ગામના ખેડૂત ઠાકોર ગણપત તેજાભાઈના
ખેતરમાં ઘઉં-મકાઈના પાકમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેથી ખેડૂતોને મોટું
નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતે મહા મહેનતે વાવેલા પાકને બચાવવા માટે
પમ્પીંગ દ્વારા પાણી નિકાલ કરવા માટે મથામણ કરી પાક બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કેનાલમાં ઉગી નીકળેલા
ઝાળી-ઝાંખરા યોગ્ય સમયે દરકાર નહી લેતા કેનાલ ઓવર ફ્લો થઈ ખેતરોમાં પાણી વહી જાય
છે. જેના કારણે પાણીનો વેડફાટ તેમજ ખેતરોમાં નુકસાન થઈ રહ્યું છે. આ બાબતને લઈને
સ્થાનિક લોકો દ્વારા કેનાલ વિભાગને અનેકવાર રજૂઆતો કરી હોવાછતાં એકપણ રજૂઆતોને
યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી.