સુઈગામ -વાવ હાઈવે પર બે ટ્રકો અથડાતા 1 જીવતો ભડથું, 1 ઘાયલ
- દેવપુરા પાટિયા નજીકની ગોજારી ઘટના
- સુઈગામ પોલીસ મામલતદાર સહિત વહીવટી તંત્ર વહેલી સવારે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી
પાલનપુર, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
સુઈગામ, વાવ હાઈવે પર દેવપુરા પાટિયા પાસે સવારે બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા આકસ્મિક લાગેલી આગથી બંને ટ્રકો ભડભડ સળગવા લાગેલ. જેમાં એક ઈસમ આગમાં જીવતો ભડથુ થઈ ગયો હતો અને એક ગંભીર ઘાયલ તતા ગોઝારી ઘટનાથી લોકોમાં દોડધામ સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી.
સુઈગામથી વાવ તરફ આવેલ દેવપુરા પાટિયા નજીક બુધવારે સવારે સાડા આઠ વાગ્યા આસપાસ બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા લાગેલી આગમાં એક ઈસમ જીવતો ભુંજાઈ ગયો હતો અને એક ઈસમ ઘાયલ થતાં આજુબાજુથી ભેગા થઈ ગયેલા લોકોએ ટ્રકમાંથી મહામહેનતે બહાર કાઢી તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે સુઈગામ પો. સ્ટે. ઋષભકુમાર શ્રીનિવાસ જાટ, રહે. મેઈનપુરી, ઉ.પ્રદેશવાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બહાદુરગઢ હરિયાણાથી ચોખાના કટ્ટા ભરેલ ટ્રક લઈ કંડલા બંદર તરફ જતી એક ટ્રક સુઈગામ નજીક રોડ પર પડેલ એક એમ્બ્યુલન્સની સાઈડ કાપવા જતા સામેથી આવતી એક ટ્રક સાથે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી સામસામે અથડાતા ડીઝલ ટેન્ક ફાટી જતા અચાનક આગ ભભુકી ઉઠેલ. જેમાં બંને ટ્રકો ભડભડ સળગવા લાગેલ. જેમાં ટ્રકના ડ્રાયવર અને ક્લીનર ટ્રકમાંથી નીચે ઉતરી જતા આબાદ બચી ગયા હતા.
જ્યારે સામેની ટ્રકમાં રહેલ એક ગંભીર ઘાયલ ઈસમને આજુબાજુથી ભેગા થયેલા લોકોએ મહામહેનતે બહાર કાઢી બચાવી લીધેલ. જોકે અન્ય એક ઈસમ બહાર નીકળવા જતા આગની લપેટમાં આવી સળગી જતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. જે અંગે ફરિયાદીએ અન્ય ટ્રક ચાલકો પાસેથી જાણતા આગમાં જીવતા ભુંજાયેલ ઈસમ બીસનસિંહ શેરસિંહ આધેડ વયનો અને ઘાયલ થનાર પ્રેમસિંહ બંને રહે. રમનવાસ ભટીંડા, પંજાબના હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સુઈગામ પોલીસે ફરિયાદી ઋષભકુમારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે બન્ને ટ્રકો આગમાં સળગીને રાખ બની ગઈ હતી. પોલીસે જરૃરી પંચનામું કરી આગમાં ભડથું થઈ ગયેલ બીસનસિંહના મૃતદેહને સુઈગામ રેફરલ હોપિટલમાં ખસેડવામાં આવ્યો હતો.