Get The App

પાલનપુરના ચડોતર નજીક બે હજારના દરની 384 નકલી નોટો સાથે બે આરોપી ઝડપાયા

- અંબાજીથી ડીસા જતી કારમાં હેરાફેરી કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો

- વાવ તેમજ દિયોદરના રાજકીય આગેવાનોની સંડોવણી બહાર આવીઃ છેલ્લા બે વર્ષમાં ચોથી વખત નકલી નોટો પકડાઈ

Updated: Jun 7th, 2020

GS TEAM

Google News
Google News
પાલનપુરના ચડોતર નજીક બે હજારના દરની 384 નકલી નોટો સાથે બે આરોપી ઝડપાયા 1 - image

પાલનપુર, તા. 06 જૂન 2020, શનિવાર

કોરોના વાઈરસને લઈ દેશવાસીઓ આર્થિક ભીંસમાં મુકાયા છે તેવા સમયે બનાસકાંઠા જિલ્લામાં અડધી કિંમતે નકલી નોટો પધરાવાના ષડયંત્રનો પર્દાફાશ થવા પામ્યો છે. પાલનપુરના એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે પાલનપુરના ચડોતર ગામ નજીક વોચ ગોઠવી અંબાજીથી ડીસા જતી એક ગાડીમાં સવાર બે શખસો પાસેથી રૃા. ૭.૬૮ લાખની કિંમતની બે હજારના દરની ૩૮૪ ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપી પાડી છે. જોકે ચલણી નોટો સાથે ઝડપાયેલ બન્ને આરોપી રાજકીય કનેક્શન ધરાવતા હોવાનું બહાર આવ્યું છે.

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લામાં ચોરીછુપીથી અસામાજિક તત્વો દ્વારા માદક પદાર્થ, નકલી ચલણી નોટો, દારૃ સહિતની બીનઅધિકૃત હેરાફેરી કરવામાં આવી રહી હોય તેમજ કેટલાક તત્વો દેશના અર્થતંત્રને તોડવા માટે બજારમાં નકલી ચલણી નોટો ઘુસાડવાના ષડયંત્રને રોકવા માટે ભુજ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૃણ દુગ્ગલની સુચનાથી સ્થાનિક પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા બોર્ડર વિસ્તાર સહિતના ક્ષેત્રોમાં સઘન ચેકિંગ ઝુંબેશ શરૃ કરાઈ છે.

જેમાં શુક્રવારની રાત્રે અંબાજીથી ડીસા તરફ જતી એક  ગાડીમાં નકલી ચલણી નોટોની હેરાફેરી થઈ રહી હોવાની બાતમીના આધારે પાલનપુર એસઓજી પીઆઈ જે.બી. અગ્રવાતે પીએસઆઈ એન.એન. પરમાર અને તેમની ટીમ સાથે નકલી નોટો સાથે આવતી ગાડીને ઝડપી લેવા માટે પાલનપુરના એરોમા સર્કલ પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. જ્યાં આવી પહોંચેલ ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ પકડથી બચવા ગાડી ચાલકે કાર પુરઝડપે હંકારી મુકી હતી. જેને લઈ પોલીસ ટીમ દ્વારા ગાડીનો ફિલ્મીઢબે પીછો કરવામાં આવ્યો હતો અને ચડોતર બ્રિજ પાસે ઓવરટેક કરી ને પાલનપુરથી ભાગી છુટેલ ગાડીને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ગાડીની ડીકીમાં રાખેલ કાળા કલરના ઝભલામાંથી રૃા. ૭.૬૮ લાખની કિંમતની બે હજારના દરની ૩૮૪ નકલી નોટો મળી આવતા ગાડીમાં સવાર દિયોદર તાલુકાના કુવાતા ગામના હમીરભાઈ પુનમભાઈ પટેલ(કાગ)  અને વાવ તાલુકામાં ચુવા ગામના રામાભાઈ અમરાભાઈ પટેલ નામના બે શખસોની નકલી નોટો તેમજ ગાડી મળીને કુલ રૃા. ૮,૧૨,૬૦૦ નો મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી અને તેમની વિરુધ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં એસઓજી પોલીસની સતર્કતાથી નકલી નોટોના કારોબારનો પર્દાફાશ થવા પામ્યો છે.

બનાસકાંઠામાં બે વર્ષમાં ચોથી વખત નકલી નોટો પકડાઈ

બનાસકાંઠા જાણે નકલી નોટોની હેરાફેરી માટેનું બજાર હોય તેમ એક બાદ એક નકલી નોટોની હેરાફેરી ઝડપાઈ રહી છે. જેમાં ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પાલનપુરના કાણોદરમાંથી રૃા. ૨૨ હજારની નકલી નોટો સાથે ત્રણ વ્યક્તિ ઝડપાયા હતા. ૧૪ એપ્રિલ ૨૦૧૯ના પાલનપુરની જુની આરટીઓ ચેકપોસ્ટ પર ૪૩.૩૦ લાખની નકલી નોટો સાથે એક શખસ ઝડપાયો હતો. ઓગષ્ટ ૨૦૧૯માં ધાનેરામાં નકલી નોટો છાપવાનું મશીન સાથે રૃા. ૫૪,૮૦૦ની નકલી ચલણી નોટો મળી આવી હતી. 

રાજકીય તેમજ સહકારી આગેવાન નકલી નોટો સાથે ઝડપાયા

અંબાજીથી પોતાની બલોના ગાડીમાં રૃા. બે હજારના દરની નકલી નોટો સાથે  ડીસા તરફ જઈ રહેલા દિયોદર તાલુકાના કુવાતા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી હમીરભાઈ પુનમભાઈ પટેલ(કાગ) અને વાવ તાલુકા પંચાયતના મહિલા કારોબારી ચેરમેનના પતિ રામાભાઈ અમરાભાઈ પટેલ નકલી નોટો સાથે પોલીસના હાથે ઝડપાઈ જતા નકલી નોટોમાં રાજકીય તેમજ સહકારી આગેવાનની સંડોવણી બહાર આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

નકલી નોટોના રેકેટની તટસ્થ તપાસ કરાશે

પાલનપુર નાયબ પોલીસ અધિક્ષક જનકાંતે જણાવ્યું હતું કે ચડોતર નજીક કારમાં સવાર બે શખસો પાસેથી રૃા. ૭.૬૮ લાખની કિંમતની બે હજારના દરની નકલી નોટો મળી આવી છે. જેમાં આ નોટો ક્યાં પ્રિન્ટ કરાઈ છે અને તેમાં કોનો હાથ છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે.

એક આરોપીના માથે કરોડોનું દેવું

નકલી નોટો સાથે ઝડપાયેલ આરોપીને કરોડોનું નુકસાન થવાથી આરોપીના માથે દેવું ચડી જતા આરોપી દેવામાંથી મુક્ત થવા માટે નકલી નોટોનો સહારો લીધો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

બે હજારની નોટ જ પકડાય છે

જાણે બે હજારની નોટનું ડુપ્લીકેશન સરળતાથી થતું હોય તેમ દરેક વખતે બે હજારની નોટ જ પકડાય છે. જેથી  ઓછી મહેનતે કરોડપતિ થવાનું આરોપીઓને લાગતું હોવાનું તંત્રએ જણાવ્યું હતું.

Tags :