બીજા પ્રેમલગ્ન કરનાર પતિએ પુત્રીની હત્યા કરી હોવાના પ્રથમ પત્નીએ આક્ષેપ કર્યો
- હારીજમાં પાલનપુરની અઢી વર્ષની બાળકીના મોતને લઇ શંકા કુશંકાઓ
- પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી બનાવની તપાસ હાથ ધરી
પાલનપુર તા.22 ફેબ્રુઆરી 2020,
શનિવાર
વડગામ તાલુકાના મગરવાડા ગામેં પ્રથમ પત્નીને ત્યજી
દઇને અન્ય યુવતી સાથે બીજા પ્રેમલગ્ન કરીને ભાગી ગયેલ શખ્સે હારીજમાં પોતાની અઢી
વર્ષની બાળકીની હત્યા કરી હોવાનો કિસ્સાએ પાલનપુરમાં ચકચાર મચાવી છે. બનાવમાં
યુવકની પ્રથમ પત્નીએ તેના વિરૃદ્ધ પોતાની પુત્રીને મારી નાખવામાં આવી હોવાના
આક્ષેપ કરતા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને બનાવની તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકાના મગરવાડા ગામના શખ્સના તેર વર્ષ અગાઉ મહિલા સાથે લગ્ન થયા હતા તેના લગ્ન જીવન
દરમ્યાન તેમને ત્યાં ત્રણ પુત્રીઓના જન્મ થયા બાદ આ યુવકને અન્ય યુવતી સાથે આંખ મળી જતા તે પોતાની પ્રથમ
પત્ની ને ત્યજી ને બીજી યુવતી સાથે
પ્રેમલગ્ન કરીને ભાગી ગયો હતો. અને તેની બીજી પત્ની સાથે હારીજમાં રહેતો હતો. જયાં
તેને અગાઉ પોતાની પ્રથમ પત્ની પાસેથી ત્રણ પુત્રીઓનો કબ્જો મેળવીને ત્રણ પુત્રીઓને
પોતાની પાસે રાખતો હતો દરમ્યાન ગુરૃવારની રાત્રે પ્રથમ પત્નીની અઢી વર્ષની બાળકી
હેનીલ ની તબિયત લથડતા તેને સારવાર અર્થે અમદાવાદ ની હોસ્પિટલમાં લઇ જવામાં આવી
હતી. જ્યાં તબીબ દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવતા બાળકીના મૃતદેહને તેના
દાદાના નિવાસસ્થાન પાલનપુર ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે બાળકીના અગમ્ય કારણોસર
મોત થવા અંગે તેની માતા ને જાણ થતાં તેને બનાવ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસ
દ્વારા બાળકીના મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં
બાળકીના માતા એ પોતાના પતિ ઉપર બાળકીને મારી નાખવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે
સામે પક્ષ બાળકીના પિતાએ પણ બાળકીને બાથરૃમમાં વાઇ આવવાના કારણે તેનું મોત
નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે બાળકીનું મોત કેવા સંજોગોમાં થયું છે.
તેનું સાચું કારણ તો પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.
પીએમ રીપોર્ટ બાદ મોત નું સાચું કારણ બહાર આવશે
અઢી વર્ષની બાળકીના આકસ્મિક મોત અંગે બાળકીની માતા
દ્વારા તેની હત્યા કરાઇ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી બાજુ બાળકીના
પિતા દ્વારા તેમની પુત્રીનું વાઇ આવવામાં કારણે મોત નિપજ્યું હોવાનું જણાવાઇ
રહ્યું છે. ત્યારે બાળકીનું મોત કેવી રીતે થયું છે. તેનું કારણ પીએમ રીપોર્ટ આવ્યા
બાદ બહાર આવશે.
મૃતક બાળકીનો પિતા બીજી પત્ની સાથે હારીજમાં રહેતો હતો
મગરવાડાનો
યુવક તેની પ્રથમ પત્નીને મુકીને એક વર્ષ અગાઉ અન્ય યુવતી સાથે પ્રેમલગ્ન
કરીને ભાગી ગયો હોત. અને હારીજ ખાતે તેની બીજી પત્ની અને પ્રથમ પત્નીની ત્રણ
પુત્રીઓ સાથે રહેતો હતો.