બે દિવસ પહેલા કોરોનામાં સપડાયેલ એસઆરપી જવાનનું મોત
- બનાસકાંઠાના મડાણાના એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા હતા
- ગાંધીનગરમાં ડેપ્યુટેશન પર મુકાયેલા જવાનની તબિયત બગડયા બાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો
પાલનપુર, તા. 20 મે 2020, બુધવાર
કોરોનાની ફરજમાં ગાંધીનગર ખાતે મુકાયેલ બનાસકાંઠાના મડાણા(ડાં) જુથ ૩ ઈ-કંપની એસ.આર.પી. જવાનનું કોરોનાના કારણે હિંમતનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા એસઆરપી ગુ્રપમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
પાલનપુરના મડાણા(ડાં) ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં ફરજ બજાવતા મૂળ હિંમતનગરના વીરપુર ગામના હેડ કોન્સ્ટેબલ કનુભાઈ એમ. પ્રજાપતિને કોરોનાને લઈ તેમને ગાંધીનગર ખાતે ફરજમાં મુકાયા હતા. જ્યાં તેમની તબિયત બગડતા તેઓ છેલ્લા વીસેક દિવસથી વતન હિંમતનગરમાં સારવાર હેઠળ હતા. જ્યાં કોવિડ હોસ્પિટલમાં તેમનું કોરોના સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેના બીજા દિવસે સારવાર દરમિયાન એસઆરપી જવાન કનુભાઈ એમ. પ્રજાપતિનું નિધન થયું હતું. જોકે કોરોનામાં સપડાયેલ એક જવાનનું નિધન થતા મડાણા એસઆરપી કંપનીમાં શોકનો માહોલ સર્જાયો હતો અને એસઆરપી ગુ્રપ દ્વારા મૃતક જવાનને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.