બનાસકાંઠા, પાટણના 1400 શ્રમિકોની સ્પેશ્યલ ટ્રેનનું પાલનપુરમાં આગમન
- લોકડાઉન બાદ મુંબઈ વસતા વતન લવાયા
- તમામ મુસાફરોનું સ્કેનીંગ કરી 41 બસો દ્વારા તાલુકા મથકે રવાના કર્યાઃ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે
પાલનપુર,તા.01 જૂન 2020, સોમવાર
કોરોના વાયરસનું સંક્રમણ દેશભરમાં દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં કોરોનાને લઈ મહારાષ્ટ્રની પરિસ્થિતિ કાબુ બહાર છે ત્યારે મહાનગરી મુંબઈમાં વસતા લોકો કોરોનાથી બચવા માટે વતન ભણી રવાના થયા છે. ત્યારે લોકડાઉન બાદ મુંબઈમાં વસતા બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના ૧૪૦૦ જેટલા લોકો પ્રથમ સ્પેશ્યલ ટ્રેન મારફતે પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા તેમને બસો મારફતે પોતાના ઘરે રવાના કરવામાં આવ્યા હતા અને તેમને કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસનું સંકટ મહારાષ્ટ્રમાં ઘેરુ બનતું જઈ રહ્યું છે. ત્યારે મુંબઈમાં ધંધા-રોજગાર માટે વસતા બહારના લોકો કોરોનાને લઈ વતનની વાટ પકડી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા બહારના પ્રાંતના લોકોને તેમના વતન મોકલવા માટે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનો શરૃ કરવામાં આવી છે. જેમાં લોકડાઉન બાદ મુંબઈથી પ્રથમ ઓ શ્રમિક ટ્રેન મારફતે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના ૧૪૦૦થી વધુ લોકો પાલનપુર રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈથી આવેલા તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અને ૪૧ જેટલી બસો મારફતે આ મુસાફરોને તેમના તાલુકા મથકે રવાના કરાયા હતા. અને આ ૧૪૦૦ જેટલા મુસાફરોને હોમ કોરોન્ટાઈન કરવાની તૈયારીઓ શરૃ કરવામાં આવી છે.