પાલનપુરમાં અજમેર ગયેલા વેપારીના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો
- તસ્કરો દાગીના તેમજ રોકડ મળીને રૃા. 45 હજારની મતા ઉઠાવી ગયા, શહેરની સલામતી જોખમાઈ
પાલનપુર,
તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
પાલનપુર શહેરને જાણે તસ્કરોએ નિશાન બનાવ્યું હોય તેમ
રોજબરોજ નાનીમોટી ચોરીઓના બનાવો વધી રહ્યા છે. જોકે ગત નવરાત્રિથી શરૃ થયેલી
ચોરીઓની વણથંભી વણઝાર અટકવાનું નામ જ લેતી નથી જે વચ્ચે વધુ એક વેપારીના બંધ
મકાનમાંથી રોકડ તેમજ સોનાચાંદીના દાગીનાની ચોરી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠાના વડામથક પાલનપુર શહેરને તસ્કરોએ જાણે બાનમાં
લીધું હોય તેમ રોજેરોજ ઘરફોડ ચોરીઓને અંજામ આપી રહ્યા છે. જેને લઈ લોકોના જાનમાલની
સલામતી જોખમાઈ રહી હોય શહેરીજનોમાં ભયનો માહોલ છવાયેલો છે. જે વચ્ચે પાલનપુરમાં
નવી આરટીઓ કચેરી સામે આવેલ સત્યમ સોસાટીમાં રહેતા વેપારી ભગવાનદાસ કે. ઠક્કર તા.
૨૬ ફેબુ્રઆરીના રોજ તેમના પરિવાર સાથે અજમેર પ્રસંગમાં ગયા હતા ત્યારે અજાણ્યા
તસ્કરોએ બહાર ગયેલા આ વેપારીના બંધ મકાનને નિશાન
બનાવીને રાત્રીના અંધારામાં મકાનના તાળા તોડી અંદર રહેલ તિજોરીમાંથી સોનાની
વીંટી, સોનાના
બે પેન્ડલ, સોનાની
કાનની બુટ્ટી, દશ ગ્રામ
ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ મળીને કુલ રૃા. ૪૫ હજારના મુદ્દામાલની ચોરી કરીને
પલાયન થઈ ગયા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે બીજા દિવસે સવારે પાડોશીઓને જાણ થતાં
પોલીસ દ્વારા બનાવની છાનભીન હાથ ધરવામાં આવી હતી. જોકે નવરાત્રીથી શરૃ થયેલ
ચોરીઓનો સીલસીલો અટકવાનું નામ ન લેતા લોકોના જાનમાલની સલામતી જોખમાઈ હોઈ પોલીસ
દ્વારા તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.