ફુડ વિભાગે સબજેલ માંથી લીધેલા ઘઉં અને હળદરના સેમ્પલ ફેલ
- પાલનપુર સબજેલમાં કેદીઓના ભોજનમાં જીવાત વાળા ઘઉંનો વપરાશનો પર્દાફાશ
- વિવિધ સ્થળે થી લેવાયેલ વધુ ચાર સેમ્પલ રીજેક્ટ થયાઃ થરામાંથી કલર વાળા મરચાનો જથ્થો ઝડપાયો
પાલનપુર તા. 04 ફેબ્રુઆરી
2020, મંગળવાર
બનાસકાંઠા જિલ્લામાં ફુડ વિભાગ દ્વારા વિવિધ સ્થળે
થી લેવાયેલ જુદા જુદા ખાદ્ય પદાર્થના ચાર સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે. તેમજ
પાલનપુરની સબજેલમાં પણ કેદીઓને હલકી ગુણવત્તા નું ભોજન પીરસાતું હોવાનો પર્દાફાશ
થયો છે. પાલનપુર ખાતે આવેલ સબજેલમાં કેદીઓને અપાતા ભોજનમાં ગુણવતા હીન ખાદ્ય
સામાગ્રી વપરાતી હોઇ પાલનપુર ફુડ વિભાગ દ્વારા જુદી જુદી નવ ખાદ્ય સામગ્રી ના
નમુના લેવામાં આવ્યા હતા. જેમાં ઘઉં અને હળદરના સેમ્પલ પરીક્ષણમાં ફેલ થયા છે.
કેદીઓ ને આપતા ભોજનમાં ઘઉંમાં જીવાત અને હળદરમાં તાંબાની માત્ર મળી આવી છે. જેને
લઇ ફુડ વિભાગ દ્વારા જેલમાં ખાદ્ય સામગ્રી પુરી પાડતી એજન્સી સામે કાર્યવાહી હાથ
ધરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા ફુડ વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સુખાકારી
માટે તેમજ ખાદ્ય પદાર્થનું ગુણવતા ચકાસવા માટે પાલનપુર, ડીસા, અમીરગઢ, વડગામ
સહિતના સ્થળો પર ઓચિતું ચેકીંગ કરીને ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુ ઓના સેમ્પલ લેવામાં
આવ્યા હતા. જેમાં કુડ સેપ્ટિ અધિકારી પી.આર.સુથાર દ્વારા ગત ૬ જાન્યુઆરી ૨૦૨૦ના
રોજ પાલનપુર ખાતે આવેલ સબજેલમાં કેદીઓને આપતા ભોજનમાં વપરાતા કપાસિયા, તેલ, મીઠું, સીંગદાણા, મરચું, ઘઉં, ધાણાજીરૃ, ચોખા, મગદાળ
અને તુવેરદાળ સહિત ખાદ્ય સામગ્રીના નવ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને આ ખાદ્ય
પદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે સેમ્પલોને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા
હતા. જેમાં જુદા જુદા નવ સેમ્પલના પરીક્ષણ પૈકી ઘઉંના સેમ્પલમાં જીવાતની માત્રા
અને હળદરમાં તાંબાની વધુ માત્રા હોવાનું બહાર આવતા આ બંને સેમ્પલને ફુડ વિભાગ
દ્વારા ફેલ કરવામાં આવ્યા છે. જોકે પાલનપુરની સબજેલમાં કેદીઓને આપવામાં આવતા
ભોજનના સેમ્પલ ફેલ થતા કેદીઓને અપાતા ભોજન ની ગુણવત્તા હીન હોવાનો પર્દાફાશ થવા
પામ્યો છે. જેને લઇ જેલમાં ખાદ્ય સામગ્રી પુરી પાડતી એજન્સી સામે પગલાં ભરવા માટે
ફુડ વિભાગના પરીક્ષણમાં ઘટસ્પોટ કરવામાં આવશે જોકે કેદીઓને જીવાત વાળા ઘઉં ની
રોટલી ખોરાક માં અપાતી હોવાના ફુડ વિભાગ દ્વારા સરકારને રિપોર્ટ કરવામાં આવશે જોકે
જેલ કેદીઓને જીવાત વાળા ઘઉં ની રોટલી ખોરાકમાં અપાતી હોવાના ફુડ વિભાગના
પરીક્ષણમાં ઘટસ્પોટ થતા જેલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ફુડ વિભાગ
દ્વારા અગાઉ જુદી જુદી જગ્યાએ થી લેવાયેલા અન્ય બે હળદર, ઘાયનું
ઘી અને મીઠાના સેમ્પલ પણ ફેલ થતા આ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બે હળદળ,ઘી અને મીઠાનું સેમ્પલ પણ ફેલ
ફુડ વિભાગ ની ટીમો દ્વારા અગાઉ ડીસામાં આવેલ રોહિત
કુમાર રાજેશભાઇ સોલંકીના શિવ મસાલાની દુકાનમાંથી હળદર નું સેમ્પલ લેવાયું હતું.
જેમાં તાંબાની માત્રા મળી આવી છે. જ્યારે અમીરગઢમાં ઉમેદજી ભાટીના બ્રહ્માણી
કિરાણા સ્ટોરમાં થી લેવાયેલ હેલ્થ ગાય ના પેક ઘીનું સેમ્પલ ફેલ થયું છે. વડગામ
ખાતે લક્ષમણ ભાઇ ગંગારામ ભાઇ પ્રજાપતિના શિવ ટ્રેડીંગ કંપનીમાંથી લેવાયેલ ગજાનંદ
હળદર અને શેરપુરા નજીક આવેલ નેશનલ હોટલ માંથી લીધેલ મીઠાનું સેમ્પલ ફેઇલ થતા આ
વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
થરામાં કલર વાળું મરચું ઝડપાયું
કાંકરેજ તાલુકાના થરામાં આવેલ કોહિનુર મસાલામાં ફુડ
વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અહીંથી કલર વાળા મરચાનો
જથ્થો ઝડપાતા ૨૨૦ કિલો મરચું જપ્ત કરવામાં આવ્યું છે. અને વેપારી સામે કાર્યવાહી
શરૃ કરાઇ છે.
જેલમાં ખાદ્ય સામગ્રી પુરી પડતા કોન્ટ્રાકટર સામે
પગલાં ભરાશે,
જેલર
પાલનપુર સબજેલના જેલર વી.પી.ગોહિલે જણાવ્યું હતું કે
જેલમાં કાચા કામના કેદીઓને અપાતા ભોજનમાં વપરાતી હળદર અને ઘઉંના સેમ્પલના નમુના
ફેલ થવા અંગે હજુ અંમને જાણ કરાઇ નથી અને ખાદ્ય સામગ્રીના ટેન્ડરીંગ પ્રક્રિયા
અમદાવાદ સેન્ટ્રલ જેલથી થાય છે. અને ઘઉં તેમજ હળદરના નમુના ફેલ થયા હશે તો જે તે
કોન્ટ્રાકટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સબજેલમાં ૪૦૦
કાચાકામના કેદીઓ
પાલનપુર ખાતે જિલ્લા સબજેલમાં અંદાજે ૪૦૦ જેટલા કાચા
કામના આરોપીઓને રાખવામાં આવે છે. જ્યાં આરોપીઓને આપવામાં આવતું ભોજન હલકી
ગુણવત્તાવાળું હોવાનું સામે આવ્યું છે. એક મહિના અગાઉ જેલામાંથી ખાદ્ય સામગ્રી
સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલની ચકાસણી માં ઘઉંમાં જીવાત અને હળદરમાં તાબા
ની માત્રા હોવાનું બહાર આવ્યું છે.