રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હેડ કોન્સ્ટેબલ સામે રૃ.25 લાખની ખંડણી કેસ
- યુવતિને શરીર સંબંધ બાંધવા બ્લેક મેઈલ કરી
- ભુજ રેન્જમાં ફરજ બજાવતા પોલીસકર્મી મુકેશ દરજી પાંચ દિવસના રિમાન્ડ પર
પાલનપુર,તા. 11 માર્ચ 2020, બુધવાર
ભુજ પોલીસમાં ફરજ બજાવતા પાલનપુરના એક પોલીસકર્મી
વિરુદ્ધ યુવતિને શરીર સંબંધ બાંધવા માટે બ્લેક મેઈલ કરીને રૃ.૨૫ લાખની ખંડણી
માંગવા અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી
જવા પામ્યો છે. જોકે આરોપી પોલીસકર્મીને તેની ફરજનિષ્ઠા અને સફળ કામગીરી બદલ બે
વર્ષ અગાઉ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમજ તેને ફરજ દરમિયાન
૨૭૭થી વધુ ઈનામો પણ મળેલ છે.
પાલનપુર પંથકના એક ગામની વતની અને પાલનપુરમાં રહી
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી એક યુવતિ પોલીસની ફીજીકલી પરિક્ષાની તૈયારી
માટે પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દોડવા જતી હતી. તે સમયગાળા દરમિયાન
પાલનપુરમાં રહેતા અને ભુજ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજીના
સંપર્કમાં આવતા આ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલે યુવતિમાં
મોબાઈલમાં રહેલ તેના બિલ્ડર મિત્ર સાથેના સેલ્ફી ફોટો પોતાના મોબાઈલમાં લઈ યુવતિને
શરીર સંબંધ બાંધવા આ ફોટા વાઈરલ કરવાની ધમકી આપીને યુવતિના મિત્ર પાસે રૃ.૨૫ લાખની
ખંડણી માંગી હતી. જેમાં અંતે રૃ.૫ લાખમાં
પતાવટ કરી હતી જે બાદ ફરી હેડ કોન્સ્ટેબલે યુવતિના મિત્ર પાસે રૃ.૧૫ લાખમાં પતાવટ
કરી હોવાનું જણાવીને બીજા ૩ લાખ પડાવ્યા હતા. જે બાદ પણ યુવતિને શરીર સંબંધ નહિ
બાંધવા દે તો ફોટા વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવતા યુવતિએ હેડ
કોન્સ્ટેબલ મુકેશ દરજી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ખંડણી માંગવા તેમજ બ્લેક મેઈલ
કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર ચમી જવા પામી છે. જોકે પોલીસ દ્વારા આરોપી
હેડ કોન્સ્ટેબલને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના
રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીની પૂછતાછ હાથ ધરી છે.
આરોપી કર્મીને રાષ્ટ્રપતિ એવોર્ડ સહિત અનેક ઈનામ
મળેલ છે
હાલ ભુજમાં અને અગાઉ બનાસકાંઠા પોલીસના વિવિધ
વિભાગોમાં પ્રસંશનીય કામગીરી કરવા બદલ આરોપી હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજીને તેની ૨૪
ર્ષની ફરજ દરમિયાન ૨૭૭થી વધુ ઈનામો અને વર્ષ ૨૦૧૮માં અમીરગઢ ખાતે યોજાયેલ જિલ્લા
કક્ષાના સ્વાતંત્ર પર્વે તત્કાલીન પાણી પુરવઠા મંત્રી પરબત પટેલના હસ્તે
રાષ્ટ્રપતિ એવોર્ડ આપી સન્માન કરાયું હતું.