ઉત્તર ગુજરાત સહિત જિલ્લામાં ચોમાસુ ઋતુના આગમનની શક્યતા
- પ્રિમોન્સુન એક્ટિવીટી સક્રીય થતાં આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યાઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને લઈ વરસાદની શક્યતા
ડીસા,તા.01 જૂન 2020, સોમવાર
ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે ત્યારે જૂન મહિનો શરૃઆત થતાં જ વરસાદના આગમનની ઘડીઓ ગણાતી હોય છે. દેશમાં કેરળ રાજ્યમાંથી ચોમાસુની એન્ટ્રી જૂન મહિનાની શરૃઆતમાં થતી હોય છે. ત્યારે આ વર્ષે પણ સમયસર કેરળમાં મોન્સુનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈ ગુજરાત રાજ્ય પર પ્રિ-મોન્સુન એક્ટિવીટી જોવા મળી રહી છે. અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવતો જોવા મળી રહ્યો છે.
હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જ્યારે હવામાનમાં પલટો આવતાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૪૦ ડીગ્રી, પાલનપુર ૪૦, અમીરગઢ ૪૦, અંબાજી ૩૯, આબુરોડ ૪૦, ઈડર-૩૮, મહેસાણા-૪૦, ઊંઝા-૪૦, સિદ્ધપુર-૪૦, પાટણ-૪૧, મોડાસા ૩૯, હિંમતનગર-૩૯, ખેડબ્રહ્મા-૩૮ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આકાશમાં વાદળોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. આકાશમાં ઘનઘોર વાદળો ચઢી આવતાં જાણે હમણા જ વરસાદ શરૃ થાયતેવું જોવા મળે છે. પરંતુ બપોર બાદ આકાશમાંથી ધીરે ધીરે વાદળો વિખરાતા પવન ફૂંકાવા લાગે છે. આમ તો ગુજરાત રાજ્યમાં વરસાદની એન્ટ્રી ૨૦ જૂન આસપાસ થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની શરૃઆતમાં જઅરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા સાયક્લોનીકને કારણે વહેલો વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. પરંતુ અત્યારે તો આકાશમાં વાદળોની થઈ રહેલ હલચલને લઈ આગામી સમયમાં વરસાદના ચોક્કસ એંધાણ વર્તાઈ રહ્યા છે.