કુદરત રૂઠીઃ કોરોના, કમોસમી વરસાદ, ભૂકંપ અને હવે તીડની દહેશત
- રેડ ઝોન બનાસકાંઠામાં પાકિસ્તાનથી ગમે ત્યારે તીડ ત્રાટકશે
- મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીડ ત્રાટકશેઃ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સરકારની સૂચના
પાલનપુર,તા.06 મે 2020, બુધવાર
ઉત્તર ગુજરાતના એકમાત્ર બનાસકાંઠામાં કુદરત જાણે રૃઠી હોય તેમ એકબાદ એક નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં જિલ્લામાં સૌપ્રથમ લોકડાઉનથી લોકો આમપણ પરેશાન છે. જેની વચ્ચે બે દિવસમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જે સમસ્યા માંડ ટળી ત્યાં તો હવે રાજસ્થાનના જેસલમેરના રણમાં રહેલ તીડ બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોમાં ત્રાટકવાના ભારત સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવતા જિલ્લા વહિવટીતંત્ર તેને રણમાં જ રોકવા સજ્જ થઈ ગયું છે. જેમાં વાવ તાલુકાના તમામ ગામોમાં તલાટીઓને ટીડીઓ દ્વારા આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના ૫૨ પોઝીટીવ કેસ સાથે સરકાર દ્વારા જિલ્લાને રેડઝોનમાં મુકવામાં આવ્યો છે. ત્યારબાદ વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી હતી. જોકે હવે જિલ્લામાં એકવાર ફરીથી તીડ ત્રાટકવાના ભારત સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવતા બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તીડના ઝુંડ બનાસકાંઠામાં ત્રાટકે તે પહેલા વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જ્યારે હાલમાં તો રાજસ્થાનના જેસલમેરમાં તીડે આક્રમણ કર્યું છે. જેમાં જેસલમેર જિલ્લાના લાઠી, સામ, પોખરણ અને રામદેવરા વિસ્તારોમાં તીડના ઝૂંડના ધાડેધાડા ઉતરી પડયા છે. જેથી હવે અહીંથી આ તીડના ઝુંડ બનાસકાંઠા જિલ્લામાં આવી પહોંચે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવતા જિલ્લા કલેક્ટર તંત્રને સજ્જ રહેવાની સૂચના આપી દીધી છે. જેમાં વાવ તાલુકાના તમામ ગામોના તલાટીઓને આ અંગેની જાણ વાવ ટીડીઓ દ્વારા આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અગાઉ તીડે હૂમલો કર્યો હતો તે સમયે ખેડૂતો પાસે પૂરતા સાધનો ન હતા જેને કારણે સ્થાનિકોએ ટ્રેક્ટર પર પમ્પો બાંધીને દવાનો છંટકાવ કર્યો હતો. પરંતુ આ વખતે તંત્રએ પહેલાથી જ આયોજન કરી રાખ્યું છે. તીડના સંભવિત હૂમલાને ધ્યાનમાં રાખીને દવાનો જથ્થો તેમજ પમ્પ સહિતની મશીનરી તૈયાર રાખવામાં આવી છે. તદઉપરાંત સ્થાનિકોને પણ ગાડીઓ તેમજ ટ્રેક્ટરો સાથે તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી છે. જેનાથી હૂમલો થાય તો તાત્કાલિક તેમના પર દવા છાંટી શકાય.
બનાસકાંઠાથી 300 કિ.મી. દૂર તીડના ઝુંડઃ જિલ્લા ખેતીવાડી અધિકારી
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં તીડના ઝૂંડ બનાસકાંઠાથી ૩૦૦ કિ.મી. દૂર છે. જેમાં રાજસ્થાનમાં અગાઉ શિયાળુ પાક હોવાથી ત્યાં લોકો વાસણ ખખડાવી ઉડાડી દેતા હતા. જેથી કરીને તીડ ઝડપથી બનાસકાંઠામાં આવી ગયા હતા. પરંતુ આ વખતે ઘણો બધો પાક લેવાઈ ગયો હોવાથી ત્યાં ખેતર ખુલ્લા હોવાથી લોકો ઉડાડતા નથી. જેથી કરીને ત્યાં તીડ નિયંત્રણ કરવામાં સરળતા રહે છે.
વાવ ટીડીઓએ ગામના તમામ તલાટીઓને સતર્ક રહેવા જાણ કરી
રાજસ્થાનમાંથી તીડ બનાસકાંઠા જિલ્લામાં મોટેભાગે વાવ, સુઈગામના રણ વિસ્તારમાંથી જ આવતા હોય છે. ત્યારે વાવ ટીડીઓ દ્વારા વાવ તાલુકાના ગામોના તલાટીઓને આ અંગેની જાણ કરી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં તીડ ત્રાટકવાની દહેશત
અગાઉ જ્યારે તીડ બનાસકાંઠામાં આવ્યા હતા તે દરમિયાન તેને નિયંત્રણ કરવામાં સફળતા ધીમધીમે મળી હતી. પરંતુ તે દરમિયાન તીડના ઝૂંડ બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં મોટાપાયે તમામ પાકનો સફાયો બોલાવી દીધો હતો. જેથી આ વખતે ત્રણેય જિલ્લાના વહિવટીતંત્રએ પહેલાથી જ આયોજન કરી રાખ્યું છે.
બનાસકાંઠા જિલ્લાની દશા બેઠી
ઉત્તર ગુજરાતના એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક નવી મુશ્કેલીઓ આવી રહી છે. જેમાં સૌ પ્રથમ કોરોનાને કારણે અત્યાર સુધી ૫૨ કેસ નોંધાતા જિલ્લાને રેડઝોનમાં મુકવામાં આવ્યો છે. જેની વચ્ચે બે દિવસમાં વાવાઝોડું અને કમોસમી વરસાદ પડતાં લાખો રૃપિયાનું નુકશાન થયું છે. જેમાં એકસમસ્યા માંડ ટળી ત્યાં એકવાર ફરીથી જિલ્લામાં તીડ ત્રાટકવાની દહેશતને પગલે ખેડૂતો સહિત વહિવટી તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે.