નમસ્તે ટ્રમ્પ,મહેસાણા અને પાલનપુર ડિવિઝનની 500બસોની ફાળવણી
- ઉત્તર ગુજરાતના મુસાફરોને હાલાકી પડવાની સંભાવના
- વહિવટીતંત્ર દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર મહાનુભાવો અને કાર્યકરોની વેરીફિકેશન હાથ ધરાયું
મહેસાણા,પાલનપુર, તા. 18
ફેબ્રુઆરી 2020, મંગળવાર
૨૪ ફેબુ્રઆરીના રોજ અમેરિકન રાષ્ટ્રપતિના સ્વાગતમાં નમસ્તે
ટ્રમ્પ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ભરમાંથી મોટી
સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોઈ તંત્ર દ્વારા કાર્યક્રમમાં આવતા લોકોની મુસાફરી
માટે બસોની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુર
વિભાગીય કચેરી દ્વારા લોકોને લઇ જવા માટે ૫૦૦ એસટી બસો ફાળવવામાં આવી છે. જિલ્લા
વહિવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેનાર મહાનુભાવો અને કાર્યકર્તાઓના
ડોક્યુમેન્ટનું વેરીફીકેશન હાથ ધરવામાં આવ્યું છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે
સોમવારના રોજ સૌ પ્રથમવાર ગુજરાતના મહેમાન બની રહ્યા છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત
માટે અમદાવાદના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે નમસ્તે ટ્રમ્પ નામના
ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી
એક લાખથી વધુ લોકો ઉમટી પડવાના હોઈ તેમની મુસાફરી માટે એસટી નિગમની બસોની વ્યવસ્થા
કરવામાં આવી છે. જેમાં પાલનપુર એસટી વિભાગીય કચેરીના સાત ડેપોમાંથી ૨૦૦ લોકલ બસો
તેમજ મહેસાણા ડિવિઝનના ૧૧ ડેપોમાંથી ૩૦૦ બસો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી છે. જેને
લઈ ગ્રામીણ રૃટ કટ થવાને લઈ લોકોને મુસાફરી માટે મોટી મુશ્કેલી વેઠવાની ફરજ પડી
શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ
ખાતે યોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મહેસાણા,પાટણ અને
બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના
હોઈ કલેક્ટર કચેરી દ્વારા આ કાર્યક્રમના મહાનુભાવો અને કાર્યકર્તાઓના આધારકાર્ડ
સહિતના ડોક્યુમેન્ટ વેરીફીકેશન હાથ ધરવામાં આવ્યું છે. સાથે આ કાર્યક્રમ દરમિયાન
કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સલામતીના ભાગરૃપે બનાસકાંઠા પોલીસ વિભાગમાંથી એક
ડીવાયએસપી, સાત પીઆઈ
અને પોલીસ સ્ટાફને અમદાવાદ ખાતે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. હાલ
વિદ્યાર્થીઓની વિવિધ પરીક્ષાઓ નજીકમાં હોઈ તંત્ર દ્વારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી
શિક્ષણ વિભાગના અધિકારીઓ,
શિક્ષકો અને વિદ્યાર્થીઓને અળગા રખાયા છે.જોકે મહેસાણા જિલ્લાની કેટલીક
કોલેજોના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું
હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
સાત ડેપોના લોકલ રૃટની બસો કાર્યક્રમમાં મુકાઈ
પાલનપુર વિભાગીય એસટી કચેરીમાં આવતા બનાસકાંઠા જિલ્લાના ૧૪
તાલુકા અને પાટણ જિલ્લાના બે તાલુકાના પાલનપુર, ડીસા,
અંબાજી, દિયોદર, થરાદ, સિધ્ધપુર અને
રાધનપુર એસટી ડેપોના લોકલ રૃટ કાપીને ૨૦૦ બસો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મુકાતા
લોકોને મુસાફરી માટે અગવડતા ભોગવવાની પરિસ્થિતિ સર્જાઈ છે.
કાર્યક્રમમાં ભાગ લેનાર લોકોનું વેરિફિકેશન હાથ ધરાયું
વિશ્વની મહાસત્તા એવા અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના પત્ની
સાથે અમદાવાદના મહેમાન બનવાના હોઈ સલામતીના ભાગરૃપે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર
બનાસકાંઠાના પાંચ જેટલા આગેવાનો અને કાર્યકરોના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટનું
તંત્ર દ્વારા વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું છે અને હાઈવેની હોટલોની તપાસ ઝુંબેશ
શરૃ કરવામાં આવી છે.