ઉ.ગુ.માં કોરોનાને લઈ મુસ્લીમ બિરાદરો દ્વારા ઘરે જ સાદગીથી ઈદની ઉજવણી
- ઈતિહાસમાં પ્રથમવાર રમઝાન ઈદની નમાઝ ઘરે અદા કરાઈ
- સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને એકમેકને ઈદ મુબારક પાઠવી
પાલનપુર,તા.25 મે 2020, સોમવાર
સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોના વાઈરસના કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા માટે પાલનપુર, પાટણ, મહેસાણામાં મુસ્લીમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન ઈદની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી. અને ઈતિહાસમાં સૌ પ્રથમવાર રમઝાન ઈદની નમાઝ ઘરે ્દા કરવામાં આવી હતી.
કોરોના વાઈરસનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લા સંક્રમિતોની સંખ્યા ૧૦૦નો આંક વટાવી જતા લોકોમાં કોરોનાનો ફફડાટ વ્યાપેલો છે. જે વચ્ચે પાલનપુરમાં ઈસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસની મુસ્લીમ બિરાદરો દ્વારા રોઝા રાખીને ખુદાની બંદગીથી ઉજવણી કરવામાં આવી હતી અને રવિવારે ઈદનો ચાંદ દેખાતા સોમવારના રમઝાન ઈદની ઉજવણી કરાઈ હતી. જોકે હાલ કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા માટે જાહેર મેળાવડા યોજવા અને ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોઈ રમઝાન ઈદની નમાઝમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે પાલનપુરના ઇતિહાસમાં પ્રથમવાર રમઝાન ઈદની નમાઝ ઈદગાહના બદલે પોતપોતાના ઘરે અદા કરવામાં આવી હતી અને સામાજિક દૂરી રાખીને એકબીજાને મુબારક બાદી પાઠવવામાં આવી હતી. જોકે હાલ કોરોનાને લઈ હોટલ, રેસ્ટોરન્સ, સિનેમા, બાગ-બગીચા બંધ હોઈ મુસ્લીમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની સાદગીથી ઉજવણી કરાઈ હતી.
પાલનપુરમાં 100 વર્ષ અગાઉ પણ ઈદની નમાજ ઘરે અદા કરાઈ હતી
પાલનપુરના મુસ્લીમ અગ્રણી સીતાબ કાદરીએ જણાવ્યું કે ૧૦૦ વર્ષ અગાઉ પણ ચેપીરોગ ફાટી નીકળ્યો હોઈ તે વખતે પણ મુસ્લીમ બિરાદરો રોગચાળાને ફેલાતો રોકવા માટે સામાજિક અંતર રાખી રમઝાન ઈદની નમાઝ પોત-પોતાના ઘરમાં અદા કરી હતી. જેના વર્ષો બાદ કોરોનાને રોકવા માટે મુસલીમ સમાજ દ્વારા ઈદની નમાઝ ઘરે જ અદા કરાઈ છે.
મહેસાણામાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાયું
મહેસાણામાં પણ રમઝાન માસ પૂર્ણ થતાં સોમવારના રોજ મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદની મુબારક, વોટ્સઅપ, સોશ્યલ મિડીયા દ્વારા પાઠવી હતી. રમઝાન ઈદની જે નમાજ પઢવામાં આવે છે તે તમામ મુસ્લીમ બિરાદરોએ લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી નમાજ અદા કરી હતી.