માઉન્ટ આબુમાં માઇનસ 3 અને ગુરુશિખર ઉપર 5 ડીગ્રી તાપમાન

અમીરગઢ,
તા.18
ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ
આબુમાં થર્ડ ડિગ્રીની ઠંડી પડી રહી છે. આજે માઉન્ટ આબુમાં માઇનસ ૩ અને ગુરુશીખર પર
માઇનસ ૫ ડીગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ પણ ધુ્રજી ઉઠયા હતા. જ્યારે લોકોએ
મોઢામાંથી ધુમાડા નીકાળતી ઠંડીનો રોમાંચક અહેસાસ કર્યો હતો.
છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં
હિમવર્ષાની અસર અન્ય રાજ્યમાં જોવા મળી રહી છે. જેમાં ગુજરાતીઓનું મનપસંદ
રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી પડી હતી.જેમાં આજે શનિવારે
લઘુત્તમ તાપમાન માઈનસ ૩ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી નોંધાયું હતું.
તાપમાન નો પારો ગગડયા બાદ મેદાની
વિસ્તારોમાં ચારેબાજુ બરફ જોવા મળ્યો હતો.ઘરોની બહાર રાખવામાં આવેલ પાણી પણ થીજી
ગયું હતું. ડુંગરાળ વિસ્તારોમાં વહેતા
નાળાઓમાં પણ પાણી થીજી ગયા હતા. આ વર્ષે શિયાળામાં પ્રથમવાર આવી કડકડતી ઠંડી કારણે
બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો બોનફાયર પ્રગટાવીને શિયાળાથી બચવાનો
પ્રયાસ કરી રહ્યા છે.તો બીજી તરફ માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ પણ આ સિઝનની મજા
માણી રહ્યા છે.વહેલી સવારે નખીલેક ફરવા નીકળેલા પ્રવાસીઓ ચાની ચુસ્કીઓ લઈને ઠંડીને
દૂર કરતા જોવા મળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી માઉન્ટ આબુમાં ઠંડીનો જોરદાર પ્રકોપ જોવા
મળી રહ્યો છે. સિઝનની સૌથી વધુ ઠંડી રાતે અને સવારે હતી જેના કારણે લોકોને વહેલી
સવારે વાહનો શરૃ કરવામાં મુશ્કેલી પડી હતી.




