પાલનપુરના પીરોજપુરામાં કાંટાળા થોરની ગાદી પર મહંતનું તપવ્રત
- કોરોનાની નાબૂદી માટે સાધુએ અન્નનો ત્યાગ કર્યો
પાલનપુર,તા.17 જૂન 2020, બુધવાર
કોરોના વાઈરસને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાાનિકો રાત-દિવસ રસીની શોધ કરી રહ્યા છે. તો બીજી બાજુ લોકો સાધુ-સંતો દ્વારા પણ કોરોનાની નાબૂદી માટે દુવા પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના પિરોજપુરા (ટા) ગામ નજીક આવેલ પર્વત પર એક મહંત દ્વારા કોરોના વાઈરસ નાબૂદ થાય અને લોકોનું આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે અન્નનો ત્યાગ કરીને કાંટાળા થોરની ગાદી પર તપસ્યા શરૃ કરવામાં આવી છે.
જીવલેણ કોરોના વાઈરસ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે ત્યારે કોરોના સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને રાત-દિવસ વેક્સીનની શોધ કરાઈ રહી છે. ત્યારે ઈશ્વર કોરોના કાળને નાબૂદ કરે અને લોકોને કોરોના સામે રક્ષણ મળે તે માટે પાલનપુર તાલુકાના પિરોજપુરા ટાકણી ગામના મહંત હરિભાઈ મોહનભાઈ બટવાએ જેઠ મહિનાની અગિયારસથી અન્નનો ત્યાગ કર્યો છે અને માત્ર પ્રવાહી ઉપર ગામ નજીક આવેલ પર્વત પર કાંટાળા થોરની ગાદી પર તપસ્યા આરંભી છે. આમ વિશ્વને કોરોના કાળમાંથી મુક્તિ અપાવવા માટે એક મહંત દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં અન્ન વિના કાંટાળી ગાદી પર કઠોર તપસ્યા શરૃ કરવામાં આવતા મહંતના દ્રઢ મનોબળથી લોકો પ્રભાવિત થઈ ઉઠયાં છે.