ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ભાજપના જ 8 સભ્યો ધરણા પર બેઠા
- સરકારની મંજૂરી વગર જ પાલિકાએ 3 કરોડના ખર્ચે નાનાજી દેશમુખ બગીચાનો વિકાસ કરતા વિરોધ
ડીસા,તા.29 જૂન 2020, સોમવાર
ડીસામાં વિપક્ષમાં રહેલી વિરોધ પક્ષને કશુ કરવાની જ જરૃર નથી. કારણ કે ડીસા નગરપાલિકામાં શાસન કરી રહેલા ભાજપ માટે તેના સદસ્યો વિરોધ કરતા હોય છે. ત્યારે ડીસા પાલિકાના ૮ સદસ્યો પાલિકાની વિરુદ્ધ જ નાનાજી દેશમુખ ગાર્ડનને શરૃ કરવા માટે ધરણાં પર બેસી ગયા હતા.
ડીસા નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. કમજોર વિપક્ષના લીધે સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે વિપક્ષની ભૂમિકા ભાજપના સદસ્યો નિભાવી રહ્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા શહેરના હવાઈ પીલ્લર નજીક ત્રણ કરોડના ખર્ચે શહેરીજનો માટે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ ગાર્ડન જ્યાં બનાવવામાં આવ્યો હતો તે જગ્યા સરકારી હતી અને પાલિકા દ્વારા સરકારની મંજૂરી મેળવ્યા વગર જ ત્રણ કરોડની માતબર રકમ ખર્ચીને બગીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ જિલ્લા કલેક્ટરે આ બગીચા પર સ્ટે આપી દીધો હતો. બાદમાં આ બગીચો શરૃ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈને કોઈ કારણોસર બગીચો શરૃ કરવામાં ન આવતા તાજેતરમાં ડીસા નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ કાંતિલાલ સોનીની અધ્યક્ષતામાં મળેલી સાધારણ સભામાં આ બે વર્ષથી બંધ પડેલા બગીચાનું સમારકામ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી અને સાધારણસભામાં પાલિકાના તમામ સભ્યોએ આ બાબતે સંમતિ પણ આપી હતી. પરંતુ સાધારણસભામાં લેવાયેલા આ નિર્ણયને એક મહિનો વીતી ગયો હોવાછતાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા ભાજપના આઠ સદસ્યો જ પાલિકા કચેરીમાં ધરણાં પર ઉતરી ગયા હતા. અને ડીસામાં ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલા નાનાજી દેશમુખ ગાર્ડને ફરી શરૃ કરવા માંગ કરી હતી.