પાટણ જિલ્લામાં2 મહિલા અને1 પુરૃષ કોરોનામાં સપડાયા
- જિલ્લામાં પોઝિટીવ આંક 82 થયો
- શહેરના ચાચરિયા વિસ્તારમાં વૃધ્ધા, કમલ બંગલોઝમાં આધેડ તથા રણુજનો ઇસમ સારવાર હેઠળ
પાલનપુર તા. 2 જુન 2020, મંગળવાર
પાટણ જિલ્લામાં મંગળવારે મોડી સાંજ કોરોનાના વધુ
ત્રણ પોઝિટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં પાટણ
શહેરમાં બે તેમજ પાટણ તાલુકાના રણુંજ ગામમાં એક કેસ પોઝિટીવ નોંધાયો હતો. જેને લઇ
જિલ્લાના વધુ એક ગામમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા
ત્રણેય પોઝિટીવ દર્દીઓના પરિવારના સભ્યોને કોરોન્ટાઇન કરી રહેણાંક વિસ્તારને
કન્ટેઇન્ટમેન્ટ કરવામાં આવ્યો હતો. જેને લઇ શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થઇ જવા
પામ્યો હતો.
પાટણ જિલ્લામાં કોરોનાના કેસ ધીરે-ધીરે વધતા જઇ રહ્યા
છે. જેમાં એક તરફ કેટલીક શરતોને આધીન છુટછાટ આપવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાના
કેસો પણ સામે આવી રહ્યા છે. જેમાં મંગળવારે મોડી સાંજે પાટણ શહેરમાં ચાંચરિયા ચોક
વિસ્તારના ૭૨ વર્ષીય વૃધ્ધાને તાવ અને શ્વાસ લેવાની તકલીફ જણાતા સેમ્પલ લેવામાં
આવ્યું હતું. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે શહેરમાં વધુ એક બાબુ બંગલો
પાસે કમલ મેચિંગ દુકાન સામેના વિસ્તારમાં ૬૦ વર્ષીય પુરૃષને છેલ્લા ૪ દિવસથી તાવ
અને ખાંસી જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તો
પાટણ તાલુકાના રણુજ ગામમાં કોરોનાએ પ્રવેશ કર્યો હતો. જેમાં ૪૮ વર્ષીય સ્ત્રીને
શ્વાસ લેવામાં તકલીફ પડતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવતા
જિલ્લામાં કુલ પોઝિટીવ આંક ૮૨ પર પહોંચી ગયો છે. જેને લઇ પોઝિટીવ દર્દીઓના
પરિવારના સભ્યોને કોરોન્ટાઇન કરી રહેણાંક વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ કરવામાં આવ્યો
હતો. જોકે હજુ ૧૫૭ દર્દીઓનો રીપોર્ટ પેન્ડિંગ રહેલ છે.