ઇકબાલગઢમાં કોરોનાનો કેસ આવતા વેપારીઓએ સ્વયંભુ લોકડાઉન કર્યું
- બે દિવસમાં બે કોરોના પોઝિટીવ કેસ આવતા નિર્ણય લેવાયો
અમીરગઢ તા.18 જુલાઈ 2020, શનિવાર
અમીરગઢના ઇકબાલગઢમાં કોરોનાનો એક કેશ આવતા લોકોમાં ભય ફેલાઇ ગયેલ જોવા મળી રહ્યો છે. જેથી વેપારીઓ દ્વારા સ્વયભુ લોકડાઉન લાદવામાં આવેલ છે.
કોરોના વાયરસની મહામારીએ વિશ્વને સકંજામાં લીધેલ છે. જેથી અસંખ્ય લોકો એનો શિકાર બની મોતને ભેટયા છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે ચાર વાર લોકડાઉન લાદવામાં આવેલ હતું છતાં પણ આ વાયરસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં એક પણ કેશ નહોતો ત્યાર સુધી લોકો બિન્દાસ હતા. પરંતુ હવે બે દિવસમાં કોરોનાના બે બે પોઝિટીવ કેશ મળતા અમીરગઢ પણ કોરોનાના ભરડામાં આવેલ છે. અમીરગઢ વાતની અને દાંતા વિધાનસભાના ધારાસભ્ય કે કે ખરાડીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ બીજા દિવસે ઇકબાલગઢમાં પણ એક કોરોના પોઝિટીવ કેશ નોંધાયો હતો. જેને લઇ લોકોના ચિંતા પ્રસરી છે. ઇકબાલગઢના વેપારીઓ અને ગ્રામજનો દ્વારા બઝારો બંધ રાખી ઘરની બહાર ન નીકળવાનો નિર્ણય લેતા સ્વયંભુ લોકડાઉન લાદવામાં આવેલ છે. અને ગ્રામપંચાયત દ્વારા સમગ્ર ગામમાં સેનેટાઇઝર કરવામાં આવેલ છે.