ધાનેરા પંથકમાં તીડના ઝુંડે રાતવાસો કરી ખેતી પાકનો સફાયો કર્યો
- ખેડૂતોએ રાતભર તીડને ભગાડવા પ્રયાસો કર્યા
- તીડના આક્રમણથી ખેતરના ઉભા પાકો સફાચટ થઈ જતાં ખેડૂતો અને તેમના ભાગીયાઓની હાલત કફોડી બની
ધાનેરા,તા.29 ડીસેમ્બર 2019, રવિવાર
ધાનેરા તાલુકામાં રવિવારની સવાર પણ ખેડૂતો માટે મુસીબત લઈને આવી હતી. કેમકે આ પંથકમાં તીડના ઝુંડે રાતવાસો કર્યો હોવાથી કેટલાક ગામોમાં ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન કર્યું હતું. ગામોની સીમોમાં તીડના ઝુંડને ભગાડવા માટે રાતભર ખેડૂતોએ જાગીને વિવિધ પ્રયોગો હાથ ધર્યા હતા. પરંતુ તે અગાઉ તીડે કૃષિપાકોનો સફાયો કરી નાખ્યો હતો. નોંધપાત્ર છે કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર, રાજ્ય અને જિલ્લા તંત્રની ટીમો તીડના આક્રમણને અંકુશમાં લેવા કામે લાગી છે. પરંતુ હજુપણ આ પંથકમાં તીડથી વિનાશ થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.
જાડી, શેરા સહિત રવિયા ગામમાં રાત્રી રોકાણ માટે તીડ હોય તેવા સમાચારને લઈ આજે સવારે ખેતીવાડી વિભાગ તેમજ મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીની અલગ અલગ ટીમે વહેલી સવારના જાડી સહિતના ગામોમાં પહોંચી જંતુનાશક દવાનો છંટકાવ કરવા કામગીરી હાથ ધરાઈ હતી. જ્યારે આ તરફ તીડ પાકને સરળતા પૂર્વક ખાઈ રહ્યા હતા. રાયડો, એરંડા સહિતના પાક પર લાખો તીડ ખેતર માલિકને સામે પાકને બરબાદ કરી રહ્યા હતા. જ્યારે હારેલો ખેડૂત પણ બચે તેટલો પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોની તીડના કારણે હાલત ખરાબ છે. જ્યારે સૌથી વધારે વેદના હાલ ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા પરિવારમાં જોવા મળી રહી છે. આવો જ એક પરિવાર ધાનેરા તાલુકાના શેરા ગામ જીવન જીવવા માટે ખેતરમાં કામ કરી રહ્યો છે. આ પરિવારમાં ચાર બાળકો સાથે માતા-પિતા ખેતરમાં છાપરું બનાવી વસવાટ કરી રહ્યા છે. જ્યારે પાકની સિઝન પુરી થાય તેના ચોથા ભાગની રકમ માટે બન્ને પતિ-પત્ની રાત-દિવસની મજૂરી કરતા હોય છે. જોકે આ વર્ષે હવે ચોથો ભાગ મળશે નહી કારણ તીડના કારણે ખેતરમાં ઉભેલો આખો પાક નાશ કરી નાખ્યો છે. રાજસ્થાન રાજ્યમાંથી માત્ર મજૂરી માટે આવેલા આ પરિવારને તો સરકારે જાહેર કરેલ લાભ પણ નહી મળે તેવી વેદના ખેતમજૂરોમાં ઝળકી રહી છે.
તંત્રએ દવા છંટકાવ કરી
ધાનેરા ખેતીવાડી અધિકારી કર્મચારી પણ જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે. જ્યારે ગ્રામજનો આ ઝેરીલી દવાથી દૂર રહે તેનું પણ ધ્યાન રાખી તીડને મારવા માટે કામ થઈ રહ્યું છે. હાલ ધાનેરા તાલુકાના જાડી, શેરા, રવિયા, શિયા, ડુંગડોલ, ભાટીબ સહિતના ગામો તીડ જોવા મળ્યા છે.
ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું
પાંચાભાઈ દેસાઈએ પોતાના ખેતરમાં પાંચ વિઘા જમીન રાયડાનો પાક તીડે ખાઈ જતાં નિષ્ફળ જવા પામ્યો હતો. જેનાથી હવે ઉપજમાં કંઈપણ બચતા છેવટે તેમણે ખેતરમાં ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું હતું. સરકાર કંઈક સહાય આપશે એવી અપેક્ષા રખાઈ રહી છે.
કેન્દ્ર અને રાજ્યની ટીમોનો તીડ પર અંકુશ મેળવવા પ્રયાસ
થરાદ, વાવ, સુઈગામ, લાખણી અને ધાનેરાના અનેક ગામોમાં તીડે ભારે નુકશાન કર્યું છે. જિલ્લા, રાજ્ય અને કેન્દ્રની ટીમો સતત તીડ પર અંકુશ મેળવવા પ્રયત્ન કરી રહી છે. મોટાભાગના તીડનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે અને કેટલાક તીડ રાજસ્થાન તરફ ગયા છે. લગભગ ૮૦ ટકા કરતા વધુ તીડ પર કંટ્રોલ કરી દેવામાં આવ્યો છે.