બનાસકાંઠા જિલ્લામાં ચાર દિવસમાં માત્ર 1 જ વ્યક્તિનું સેમ્પલ લેવાયું!
- નવી ગાઇડ લાઇન મુજબ કોરોના લક્ષણ જણાતા વ્યક્તિનું જ સેમ્પલ લેવાશે
પાલનપુર તા. 12 મે 2020, મંગળવાર
બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં કોરોના પોઝેટીવના ૮૫ કેસ
નોંધાઇ ચુક્યા છે અને ૪૫ સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે તેવા સમયે આરોગ્ય તંત્ર
દ્વારા સરકારની નવી ગાઇડ લાઇન મુજબ કોરોનાના લક્ષણ ન ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવાની
પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જેને લઇ કોરોના પોઝેટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ
લોકોના કારણે જિલ્લામાં સંક્રમણ તીવ્રગતિએ ફેલાવાની દહેશત વર્તાવા લાગી છે.
બનાસકાંઠા જિલ્લાને કોરોનાના કહેર ને લઇ રેડ ઝોનમાં
મુકવામાં આવ્યો છે. અહીં એક મહિનાના ટુંકાગાળામાં ૮૫ કોરોના પોઝેટીવ દર્દી સાથે
જિલ્લાના અગિયાર તાલુકા પ્રભાવીત બન્યા છે. જેને લઇ લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે
જોકે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે કોરોના શંકાસ્પદ લક્ષણ
ધરાવતા અને સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ૧૨૦૦ સેમ્પલ લેવામાં આવ્યા
હતા. જેમાંથી ૧૧૧૫ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેમાં તા.૯ મેંના ધનપુરા અને
વાસણીમાં એક એક અને તા.૧૦ મેંના ડીસામાં ચાર કેસ પોઝિટીવ નોંધાયા હતા. જે બાદ
જિલ્લામાં કોરોનાના સેમ્પલ લેવાની પ્રક્રિયાને બંધ કરવામાં આવી છે. જેમાં સરકારની
નવી ગાઇડલાઇન મુજબ કોઇપણ વ્યક્તિને લક્ષણ દેખાય તો જ તેનું સેમ્પલ લેવું અને
પોઝિટીવ દર્દીના સંક્રમણમાં આવેલા વ્યક્તિઓને ન સરકારી ફેસેલીટી કોરેન્ટાઇન
કરવામાં આવી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓ
પૈકી મોટાભાગના દર્દીઓમાં કોરોના કોઇજ લક્ષણ દેખાતા ન હતા તેમ છતાં તેમનો રીપોર્ટ
પોઝિટીવ આવ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં નોંધાયેલા કોરોના પોઝિટીવ
વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં ન આવતા લોકોમાં સંક્રમણ
ફેલાવોનો ભય ઉભો થવા પામ્યો છે.
દર્દીઓમાં કોરોનાના લક્ષણ નથી છતાં રીપોર્ટ પોઝિટીવ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટીવના ૮૫ દર્દી નોંધાઇ
ચુક્યા છે. જેમાં મોટાભાગમાં દર્દીઓને કોરોના કોઇજ લક્ષણ જણાયા નથી તેમ છતાં તેમનો
રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો છે. તેવા સમયે સેમ્પલ બંધ કરવામાં આવતા સાયલન્ય
મોડનો કોરોના ફેલાવાની દહેશત વર્તાવા લાગી છે.