Get The App

બનાસકાંઠામાં ભાઈ-બહેન તથા ચાર વર્ષની બાળકીએ કોરોનાને પછાડયો

- અત્યાર સુધીમાં ચાર દર્દીઓએ કોરોના જંગ જીત્યો

- ત્રણ વ્યક્તિઓને પાલનપુર સિવિલમાંથી શુભેચ્છા ગીફ્ટ સાથે રજા અપાઈ

Updated: May 1st, 2020

GS TEAM

Google News
Google News
બનાસકાંઠામાં  ભાઈ-બહેન તથા ચાર વર્ષની બાળકીએ કોરોનાને પછાડયો 1 - image

પાલનપુર,તા.30 એપ્રિલ 2020, ગુરૂવાર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને હરાવનાર ગઠામણ ગામના ૩ વ્યક્તિઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાં પ્રથમ કોરોના પોઝીટીવ આવેલા સોમાભાઈ પરમારની પુત્રી આશાબેન ઉ.વ.૧૮ અને પુત્ર અજય સોમાભાઈ ઉ.વ.૧૪ બન્ને ભાઈ-બહેન તથા ગઠામણ ગામની જ ચાર વર્ષની બાળકી સુલાફા ગુલાબરસુલ ધુક્કા ઉ.વ.૪ વર્ષના બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી ઘેર જવાની રજા અપાઈ છે.

પાલનપુર તાલુકાના ગઠામણ ગામની આશાબેન સોમાભાઈ પરમાર અને અજય સોમાભાઈ પરમારને તા.૧૫-૪-૨૦૨૦ અને સુલાફા ગુલામરસુલ ધુક્કાને તા.૧૭-૪-૨૦૨૦ના રોજ કોરોના પોઝીટીવ આવતા બનાસ મેડિકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલ કોવિંડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમના બીજા બે રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને ઘરે જવાની રજા આપવામાં આવી છે. પાલનપુર સિવિલ સર્જન ર્ડા.ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા.સુનિલ જોષી સહિત અન્ય ર્ડાક્ટરોએ સાજા થયેલા દર્દીઓને શુભેચ્છા ગીફ્ટ આપી, તાળીઓથી અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ વાવ તાલુકાના મીઠાવીચારણ ગામના ૫ વર્ષીય બાળક મહેક અરવિંદભાઈ વડાલીયાએ પણ કોરોનાને મ્હાત આપતા બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાગલે અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તા.૧૯ એપ્રિલે રજા અપાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૩૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. તેમાંથી ભાગળ ગામના ફાતીમાબેન મુખીનું અવસાન થયું છે. અત્યાર સુધી સાજા થયેલા કુલ ૪ વ્યક્તિઓને ઘરે જવાની રજા અપાઈ છે અને કોરોના સંક્રમિત ૨૫ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની સ્થિતિ પણ સારી છે તેમ પાલનપુર હોસ્પિટલના સિવિલ સર્જન ર્ડા.ભરત મિસ્ત્રી અને અધિક્ષક ર્ડા.સુનિલ જોષીએ જણાવ્યું છે.

Tags :