ગાંધીધામથી સાયકલ ઉપર નીકળેલા અગીયાર શ્રમિકો ભુખ્યાપેટે 3 દિવસે ભીલડી પહોંચ્યા
- પરપ્રાંતિયો ગમે તે ભોગે વતન જવા તત્પર
- ફેકટરીના માલિકે બે માસનો પગાર ન આપતા ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમજીવીઓએ વતનથી પૈસા મંગાવ્યા
ભીલડી તા.20 મે 2020, બુધવાર
કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિમાં બહારથી આવેલા અનેક લોકો ફસાઇ ગયા છે. જેઓ યેન કેન પ્રકારે વતનમાં જવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં ગાંધીધામની પ્લાયવૃડ ફેકટરીના માલિકે બે માસનો પગાર ન આપતા ઉત્તર પ્રદેશ અને બિહારના ૧૧ શ્રમિકો પોતાના વતનમાં રહેલા વ્યક્તિ પાસેથી પેટીએમથી નાણાં મંગાવી તેની સાયકલો ખરીદી સાયકલ ઉપર વતન જવા નીકળ્યા હતા. જેઓ ત્રણ દિવસે ભુખ્યા પેટે મંગળવારે રાત્રે ભીલડી આવ્યા હતા. જ્યાં ભીલડી પીએસઆઇ તેમજ નવી ભીલડી સરપંચ મહેશભાઇ મોદી સહિત સેવાભાવી લોકોએ આર્થિક મદદ કરી વતન જવા માટેની વ્યવસ્થા કરી હતી.
ગાંધીધામની પ્લાયવુડ ફેકટરીના માલિકે બે માસનો પગાર ન આપતાં ઉત્તર પ્રદેશના ચાર અને બિહારના સાત મળી કુલ ૧૧ શ્રમીકો મુશ્કેલીમાં મુકાયા હતા. બે ટાઇમ ભોજન પણ ન મળતાં પોતાના વતનમાં રહલા વ્યક્તિ પાસેથી પેટીએમથી નાણાં મંગાવી તેની સાયકલો ખરીદી હતી. અને ૧૦ સાયકલ ઉપર વતન જવા નીકળ્યા હતા. જેઓ ત્રણ દિવસે ભુખ્યા પેટે મંગળવારે ભીલડી આવ્યા હતા. જ્યાં ભીલડી પીએસઆઇ એસ.વી.આહીર, સરપંચ મહેશભાઇ મોદી, અશ્વિનભાઇ રાઠોડ, સુરેશભાઇ સિલ્વા સહિત સેવાભાવી લોકોએ તમામ શ્રમિકોને ભોજન આપી તેમનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. તેમજ આર્થિક મદદ કરી પોતાની ૧૦ સાઇકલો શ્રમીકો જોડેથી ખરીદીને આર્થિક ભાડા પેટે રૃ.૪૦,૦૦૦ એકઠાં કરી ને શ્રમીકોને મદદ કરી જવા માટેની વ્યવસ્થા કરી હતી. જેમને ગુરૃવારે પાલનપુર ખાતેથી ટ્રેનમાં બેસાડી વતનમાં મોકલવામાં આવશે.