છાપીમાં પૈસાની લેતીદેતીમાં ધીંગાણું ખેલાયું બે યુવકો ઉપર આઠ લોકોનો હૂમલો
- આઠ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરીઃ ઈજાગ્રસ્ત યુવકની હાલત નાજુક
છાપી,તા.18 જુલાઈ 2020, શનિવાર
વડગામ તાલુકાના છાપી લાટી બજારમાં શુક્રવાર રાત્રે પૈસાની લેતીદેતીમાં આઠ જેટલા શખસોએ ઘર ઉપર હૂમલો કરી બે યુવકોને માથાના ભાગે આડેધડ ધોકા વડે ફટકારી લોહીલુહાણ કરી નાસી છૂટયા હતા. જોકે આ તમામ વિરુદ્ધ છાપી પોલીસ મથકે મોડી રાત્રે ફરિયાદ નોંધાતા પોલીસે તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ છાપી લાટી બજારમાં રહેતા દિપક ધનજીભાઈ માળીને લાટી બજારમાં જ રહેતા નરેશ અમૃતભાઈ પંચાલ પાસે પૈસાની લેતીદેતીમાં સાંજે નરેશભાઈની શો-મીલ ઉપર જઈ માથાકૂટ કરી ગાળો બોલી હતી. આ બાબતની જાણ નરેશભાઈના ભાઈ શૈલેશભાઈને થતાં તેઓ સાંજે દિપકભાઈને ઠપકો આપી સવારે વાત કરશું તેવું કહેતા તેઓને પણ મારવાની ધમકી આપતાં તેઓ ઘરે પરત ફર્યા હતા. જોકે રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે દિપકભાઈ માળી પોતાના આઠ જેટલા સાગરીતોને લઈ નરેશભાઈ પંચાલના ઘર ઉપર ધોકા, લાકડીઓ સહિત પહોંચી ધીંગામું મચાવી હૂમલો કરી નરેશભાઈ પંચાલના બરડામાં તથા માથા તેમજ મિત શૈલેષભાઈ અને સ્મિત નરેશભાઈના માથામાં લાકડી તેમજ ધોકા ફટકારી લોહી લુહાણ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી ભૂંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયા હતા. જોકે માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં અને લોહી નીકળતા મિત તેમજ સ્મિતને તાત્કાલિક વડગામ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. છાપીમાં પૈસાની લેતીદેતીમાં બે જૂથો વચ્ચે ધીંગામું મચતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ બાબતે શૈલેષભાઈ પંચાલે મોડી રાત્રે દિપક માળી, અંકિત માળી, ભગાભાઈ અમરતજી ઠાકોર, કિરણ અમરતજી ઠાકોર, આકાશ રમેશ માળી, ભોલુ મીર, કરશન જાલાભાઈ ચૌધરીનો પુત્ર ડીકે અને મિતુલ જોશી તમામ રહે.છાપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી તમામની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.