ડીસા, તા.૨૮
ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં તાજેતરમાં ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે. જેમાં ૫૦ જેટલાં લોકો ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીને મુત્યુ પામ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સરકારની નિષ્ફળતા સામે ભારે આકોશ વ્યક્ત કરી ડીસા શહેરમાં આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સાંઈબાબા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લઠ્ઠાકાંડ સર્જાય છે ત્યારે સત્તાધિશ નેતાઓએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં દારૂનાં બુટલેગરો બેફામ બની ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા હોવા છતાં સરકાર દ્વારા આજદીન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે લઠ્ઠાકાંડ સર્જાય પછી થોડી કાર્યવાહી કરી સરકાર સંતોષ માની લે છે તેવા આક્ષેપો કર્યા હતા. આપ પાર્ટીના કાર્યકરોએ સાંઈબાબા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરી રેલી યોજી નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ કડક કાર્યવાહીની માંગ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


