ડીસાના બે બાળક અને વડગામના યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાયા
- ત્રણેય દર્દી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
પાલનપુર, તા. 08 એપ્રિલ 2020, બુધવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને અત્યાર સુધીમાં એક પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયો નથી. જે વચ્ચે બે બાલકો અને એક યુવકને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણેય દર્દીને તાત્કાલિક સારવારઅર્થે પાલનપુર સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ લઈને પરીક્ષણમાં મોકલી અપાયા છે.
રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો અટકવાનું નામ નથી લઈ રહ્યો તેવા સમયે બનાસકાંઠા જિલ્લામાં કોરોના સામે તકેદારી અને સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જોકે અગાઉ ૨૫ જેટલા વ્યક્તિઓને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેમને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જે બાદ ડીસાના એક છ માસના તેમજ એક પાંચ વર્ષના બાળકને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા આ બન્ને બાળકોને તાત્કાલિક સારવારઅર્થે પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વડગામ તાલુકાના એક યુવકને પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાઈ આવતા આ યુવકને પણ સારવારઅર્થે દાખલ કરાયો છે અને આ ત્રણેય દર્દીના સેમ્પલ લઈને તેને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હોવાનંત આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.