ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવા મામલે ડીસાના વેપારીને રૂ.4.20 લાખનો દંડ
- પરિક્ષણમાં સેમ્પલ ફેલ થતા નિવાસી કલેક્ટર દ્વારા દંડ ફટકારાયો
- ફુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડામાં ડીસાની જગનાથ ટ્રેડીંગમાંથી તેલના સેમ્પલ લેવાયા હતા
પાલનપુર,તા.16 જાન્યુઆરી 2020, ગુરૂવાર
બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ એક ટ્રેડીંગ કંપનીમાંથી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સોયાબીન તેલ, મસ્ટડ ઓઈલ અને રિફાઈન તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ પરીક્ષણમાં ફેઈલ થતા નાયબ કલેક્ટર સમક્ષ કેસ ચાલ્યો હતો. જેમાં ભેળસેળ અને અખાદ્ય ચીજવસ્તુના વેચાણ મામલે વેપારીને રૃ.૪.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈ ખાદ્ય પદાર્થની ચીજવસ્તુમાં ભેળસેળ કરતા તેલીયારાજાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વેપારી મથક ડીસામાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરવામાં આવતી હોવાની ફરિયાદોને લઈ પાલનપુર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ફેબુ્રઆરી ૨૦૧૯માં ડીસા શિવધામ સોસાયટી પાછળ આવેલ જગનાથ ટ્રેડીંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અને અમૃત પ્રેમ સોયાબીન તેલ, સુપર વાઘ મસ્ટડ ઓઈલ, લક્ષ્મી મસ્ટડ ઓઈલ અને સાવિત્રી કાઠીયાવાડી રિફાઈન તેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને આ સેમ્પલને વડોદરા ખાતે પરિક્ષણમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં પરીક્ષણમાં સેમ્પલ ફેલ થતા તેલમાં મિલાવટ મામલે નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલતા ડીસાની જગનાથ ટ્રેડીંગ કંપનીમાં માલિક મહેશકુમાર અમૃતલાલ પંચીવાલાને ચાર સેમ્પલ દીઠ રૃ.૧.૦૫ લાખ લેખે રૃ.૪.૨૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જેને લઈ ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ભેળસેળ મામલે અગાઉ સાત કેસમાં 11.46 લાખનો દંડ કરાયો હતો
પાલનપુરના અધિક નિવાસી કલેક્ટર બાભણીયા દ્વારા એક માસમાં અગાઉ જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ ફેઈલ જતા ખાદ્ય પદાર્થમાં ભેળસેળના જુદા જુદા ૭ જેટલા કેસોમાં વેપારીઓને રૃ.૧૧.૪૬નો દંડ કરવામાં આવ્યો હતો.