અમીરગઢ,તા. 14 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે એક આશ્ચર્યજનક
કુતૂહલ સર્જાય છે. જેમાં નર બકરો રોજનુ ચાર લીટર દુધ આપી રહ્યો છે અને આ દૂધ પીવા
માટે ઉપયોગમાં પણ આવી રહ્યું છે.બાલુન્દ્રા ગામમાં રહેતા માનાભાઈ અમરાજી રબારીને
પશુપાલન હોવાથી તેઓ ગાય, ભેંસની સાથે બકરાઓ પણ ધરાવે છે અને તેમાંથી તેઓની
આજીવિકા મેળવી રહ્યા છે. આ અંગે પશુ ચિકીત્સકે કહ્યું કે હોર્મોન્સ ચેન્જથી આવું
શક્ય બને છે.
બાલુન્દ્રાના આ પશુપાલકને ત્યાં ચાર વર્ષ પૂર્વે
બકરીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી નર અને માદા બકરાઓનો સમાવેશ થતો હતો
પરંતુ આ બકરીના બચ્ચાઓ બે વર્ષના થયા ત્યારે નર બકરાને પણ માદા બકરીની જેમ સ્તન
દેખાવા લાગતાં અચંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. અને આ દ્રશ્યને જોવા માટે સમગ્ર ગામના
લોકો ઉમટી પડયા હતા. જ્યારે આ નર બકરો ચાર વર્ષનો થયો ત્યારે તેના સ્તનમાં દૂધ
ભરાતા કુદરતનો અનોખો ન્યાય જોવા મળતાં બકરો દૂધ પણ આપવામાં કુશળ નિવડયો હતો. તેના
માલિક દ્વારા તેનામાંથી દૂધ નિકાળતાં તે સવાર અને સાંજ બંને સમયે બે-બે લિટર દૂધ
આપી રહ્યો છે. એક માદા બકરુ પણ દિવસનું ચાર લીટર દૂધ આપવા માટે સહન નથી હોતું
ત્યારે નર બકરો ચાર લીટર દૂધ આપી રહ્યો છે. અને દૂધ માનાભાઈ રબારી દ્વારા પીવા અને
ચા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે અને વધારાનુ દૂધ ડેરીમાં પણ આપી રહ્યા છે.
બાલુન્દ્રા ગામના આ નર બકરાએ કુતૂહલ સર્જાતા વૈજ્ઞાાનને પણ પાછળ ધકેલી દીધેલ છે. આ
દ્રશ્યને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ અંગે મહેસાણા જિલ્લા
પશુપાલન અધિકારી દેસાઈએ જણાવ્યું હતું કે ક્યારેક હોર્મોન્સ ચેન્જને કારણે આવા
કિસ્સાઓ બનતા હોય છે.


