દિયોદરના કોતરવાડા ગામે તળાવમાં પીળા દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ
- ચોમાસામાં નર દેડકા મેટિંગ સમયે માદાને આકર્ષવા રંગ બદલે છે
- તળાવમાં પ્રથમવાર પીળા કલરના દેડકા જોવા મળતા લોકોના ટોળા ઉમટયા
પાલનપુર,તા.16 જુલાઈ 2020, ગુરૂવાર
દિયોદર તાલુકાના કોતરવાડા ગામમાં મહાદેવના મંદિરના સામે આવેલા તળાવમાં સૌપ્રથમવાર પીળા કલરના દેડકા જોવા મળતા સ્થાનીક લોકો એકાએક અચરજમાં મુકાયા હતા. જેમાં પીળા દેડકા જોવા ગામમાંથી લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામમાં શંકર ભગવાનના મંદિર પાસે આવેલ તળાવમાં રાત્રીના સમયે વરસાદ પડતા ઠેર-ઠેર વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં તળાવમાં પણ પાણીની આવક થતા પાણી ભરાયું હતું. ત્યારે વહેલી સવારે કોતરવાડા ગામના ગ્રામજનોને તળાવમાં રહેલ પીળા રંગ જેવા દેડકા દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. અને જોત જોતામાં પીળા કલરના દેડકા જોવા માટે ગ્રામજનો દોડી આવ્યા હતા. આ અંગે ગામના નટુજી ઠાકોરે જણાવ્યું હતું કે જેમાં પ્રથમ વખત ગામમાં આવા પીળા કલરના દેડકા જોવા મળ્યા છે. આ એક કુદરતની કરામત છે.
અમુક પ્રજાતિના દેડકા કલર બદલે છે
ચોમાસાની સિઝન દેડકાની મેટિંગની સિઝન ગણાય છે. આ સમયગાળામાં માદા દેડકાને આકર્ષવા માટે કેટલીક પ્રજાતિના દેડકા કલર પણ બદલતા હોય છે. તે વખતે તેમનો રંગ આકર્ષક પીળા રંગનો થઈ જાય છે. જોકે મેટિંગ બાદ તેઓ મૂળ રંગમાં આવી જાય છે. ત્યારે આ વાતથી અજાણ લોકોમાં કૌતુક સર્જાયું હતું.