હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કર્યો નિયમનો ભંગ
વાવ, તા. 31 માર્ચ 2020, મંગળવાર
કોરોનાના વધતા કેસ વચ્ચે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે નિયમનો ભંગ કર્યો છે અને આરોગ્ય વિભાગના કહેવા છતા તેઓએ વાવની રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને જયપુર લઈ ગઈ હતી અને જયપુરમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયેલા હતા.
આ સ્થિતિમાં ધારાસભ્યો પરત ફરતા તેમને હોમ કોરેન્ટાઈનમાં રહેવા કહેવાયું હતું. પરંતુ ગેનીબહેન ઠાકોર પોતાના મતવિસ્તાર વાવની રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સ્ટાફ સાથે ચર્ચા કરીને સૂચનાઓ આપી આરોગ્ય વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે ટેલિફોન વાતચીત કરી હતી. જે બાદ વાવના બજારોને સેનેટાઈઝ કરવાની સૂચના આપતા સમગ્ર વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.