લઘુશંકા જવાની નજીવી બાબતે બે યુવકોએ યુવકની પથ્થરો મારી હત્યા કર્યાની કબૂલાત
- પાલનપુરમાં પાંચ દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
- મૃતક યુવકની લાશ પાસેથી મળી આવેલ પાકીટથી ઓળખ થઈ હતી
પાલનપુર,તા.15 જૂન 2020, સોમવાર
પાલનપુરમાં પાંચ દિવસ અગાઉ આબુરોડ હાઈવે પર આવેલ પશ્ચિમ પોલીસ સ્ટેશન પાછળના રેલવે નાળા નીચેથી એક અજાણ્યા યુવકની માથાના ભાગે પથ્થર મારીને હત્યા નિપજાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં પોલીસે સઘન તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલીને બે આરોપીને ઝડપી પાડયા છે. જોકે આરોપીઓએ લઘુશંકા જવાની નજીવી બાબતે હત્યા કરી હોવાની કબૂલાત કરતા તેમને જેલના હવાલે કરવામાં આવ્યા છે.
પાલનપુર ગત ગુરૃવારની સવારે આબુરોડ હાઈવે પર આવેલ પશ્ચિમ પોલીસ મથક પાછળ આવેલ રેલવે નાળા નીચેથી લોહીથી લથપથ હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા શહેર પશ્ચિમ પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા બનાવની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતકની લાશ પાસેથી પાકિટ મળી આવતા તેના આધારે મરણ પામાનાર યુવક દાંતા તાલુકાના કુકડી ગામનો મહેશ સાયબાભાઈ તરાલ હોવાનું માલુમ પડતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા રાત્રે આવારા ફરતા તત્વોની કડક પૂછતાછ કરતા પાલનપુરના આબુરોડ હાઈવે પર આવેલ શક્તિનગર છાપરામાં રહેતા રોહિત ઉર્ફે કાળુ પ્રવિણભાઈ ડાભી (ઠાકોર) અને શહેરના હરીપુરા વિસ્તારમાં રહેતા ભીમા રામાભાઈ સલાટ નામના બે યુવકોની અટકાયત કરી તેમની પૂછતાછ કરતા તેમને નજીકમાં લઘુશંકા કરવાની નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ મહેશભાઈ તરાલ નામના યુવકને માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ બન્ને આરોપીની અટકાયત કરી તેમને જેલમાં ધગકેલવાની તજવીજ હાથ ધરી છે.