અમદાવાદ ફરજ બજાવતા પોલીસ દંપત્તી સામે હોમ ક્વોરોન્ટાઈન મુદ્દે ફરિયાદ
- 14 દિવસ હોમક્વોરોન્ટાઈનમાં હોવાછતાં અમદાવાદ જતા રહ્યા હતા
અંબાજી,તા.09 એપ્રિલ 2020, ગુરૂવાર
દાંતા તાલુકાના સાંઢોસી ગામના વતની અને હાલમાં અમદાવાદ ખાતે પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને તેમના પત્નીને ૧૪ દિવસના હોમ ક્વોરોન્ટાઈનમાં રાખવાનો આદેશ છતાં કાયદાનો ભંગ કરી ભાગી જતાં તેમની વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ થવા પામી હતી.
દાંતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મૂળ સાંઢોસી ગામના મણીભાઈ અનાભાઈ ડાભી તથા તેઓના પત્ની અન્નપૂર્ણાબેન શનિવારના રોજ વતન સાંઢોસી આવ્યા હતા. ત્યારે હાલની કોરોના સામેની મહામારીના પગલે દાંતા આરોગ્ય વિભાગ દ્વારા તેઓને ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. પરંતુ સોમવારના રોજ આરોગ્ય વિભાગની ટીમ તેઓના ઘરે તપાસ કરવા ગઈ ત્યારે આ પરિવાર ઘેર નહતું. અને જાણવા મળ્યા મુજબ તેઓ ફરી અમદાવાદ જતા રહ્યા હતા. જે કાયદાનો ભંગ થતો હોઈ સ્થાનીક મેડિકલ ઓફીસર કિરણ માવજીભાઈ ગમાર દ્વારા દાંતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.