પાલનપુરમાં બુકાનીધારી ટોળકીનો બેંક કર્મીની લૂંટનો પ્રયાસ
- કેશિયર સાથે લૂંટારુઓ સાથે ઝપાઝપીમાં એક ઝડપાયો
- બાઈક સવાર શખસોએ છરી વડે હૂમલો કરી લૂંટનો પ્રયાસ કરવાની ઘટના સીસીટીવીમાં કેદ
પાલનપુર,તા.11 ફેબ્રુઆરી 2020, મંગળવાર
પાલનપુરમાં બાઈક સવાર અજાણ્યા ત્રણ બુકાનીધારીઓ દ્વારા આરટીઓ સર્કલ પર આવેલ પેટ્રોલ પંપ પર કેશ લેવા આવેલ બેન્ક કેશિયર પર છરી વડે હૂમલો કરી તેની પાસે રહેલ રોકડ ભરેલ થેલાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કેશિયરે બૂમાબૂમ કરતા ગાર્ડ સહિત લોકો દોડી આવતા બે શખસો બાઈક પર ભાગી છૂટયા હતા. જ્યારે એક શખશ ઝડપાઈ જતા તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. જોકે લૂંટના પ્રયાસની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે.
પાલનપુરમાં આવેલી એચ.ડી.એફ.સી. બેન્ક દ્વારા સીઆઈએસ પ્રોસેજર્સ હેઠળ બેન્ક વાન મારફતે જેતે પેઢી ઉદ્યોગ પરથી કેશ લેવામાં આવેલ છે. જેમાં મંગળવારના બપોરે ૧૨-૩૯ વાગ્યાના સમયે એચડીએફસી બેન્કના કેશિયર મહેબૂબભાઈ કાલેટ, વાન ચાલક ઈમ્તિયાઝ બેલીમ અને ગાર્ડ કાનજી એલિયા સાથે માવજતમાંથી કેશ લીધા બાદ જૂની આરટીઓ સર્કલ પાસે આવેલ શાહ આચાર્ય પેટ્રોલ પંપ પર કેશ લેવા આવ્યા હતા. જ્યાં કેશીયર મહેબુબે પેટ્રોલ પંપ પરથી રૃ.૨,૪૧,૦૭૦ રૃપિયાની કેશ થેલામાં મુકીને વાન તરફ જઈ રહ્યા હતા. દરમિયાન બાઈક પર આવેલ ત્રણ બુકાનીધારી શખસોએ કેશિયરને છરી બતાવીને તેમની પાસે રહેલ રોકડ ભરેલ થેલાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ કેશિયરે બૂમાબૂમ કરતા ગાર્ડ સહિત આજુબાજુથી બે વ્યક્તિઓ દોડી આવતા લૂંટારૃઓ સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં બે લૂંટારુ બાઈક લઈને ભાગી છૂટયા હતા અને એક શખસ ઝડપાઈ જતા લોકોએ તેને મેથીપાક ચખાડયો હતો. બાદમાં તેને પોલીસને હવાલે કરાયો હતો. જોકે આ લૂંટના પ્રયાસની સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે પકડાયેલ શખસ તેમજ સીસીટીવી ફુટેઝના આધારે ભાગી છૂટેલ બે શખસોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
લૂંટના પ્રયાસમાં પકડાયેલ શખસને લોકોએ મેથીપાક ચખાડયો
પેટ્રોલ પંપ પર બેન્કકર્મીની લૂંટના પ્રયાસમાં ત્રણ બુકાનીધારી પૈકી બે શખસો બાઈક પર ફરાર થઈ ગયા હતા. જ્યારે એક શખસ ઝડપાઈ જતા લોકોએ તેને બરાબરનો મેથીપાક ચખાડયો હતો. બાદમાં તેને પોલીસના હવાલે કરાયો હતો. જોકે પાલનપુરમાં ધોળે દહાડે ત્રણ બુકાનીધારી શખસો દ્વારા બેન્ક કર્મીની લૂંટનો પ્રયાસ કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બેન્ક દ્વારા મોટા ઉદ્યોગો પર વાન મારફતે કેશ લેવામાં આવે છે
પાલનપુરમાં એચડીએફસી બેન્ક દ્વારા સીઆઈએસ પ્રોસેજર્સ અંતર્ગત મોટી પેઢીઓ અને ઉદ્યોગો પર રોજીંદી મોટી કેસને બેન્ક એકાઉન્ટમાં જમા લેવા માટે બેન્કના કેશિયર અને ગાર્ડ દ્વારા વાન મારફતે સ્થળ પર કેશ લેવામાં આવે છે.
ધોળા દહાડે લૂંટના પ્રયાસથી લોકોમાં ફફડાટ
પાલનપુરમાં ત્રણ બુકાનીધારી શખસો દ્વારા પેટ્રોલ પંપ પર ધોળે દહાડે બેન્ક કર્મીની લૂંટનો પ્રયાસ કરવામાં આવતા વેપારીઓ અને આપ પ્રજામાં ફફડાટ ફેલાયો છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લૂંટના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.