બનાસકાંઠા: પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Banaskantha News: બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા નજીક અજાણ્યા વાહને આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં રિક્ષાચાલક સહિત ત્રણ લોકોનાં નીપજ્યાં છે. આ કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં પાલનપુરથી સારવાર કરાવીને પરત ફરી રહેલા એક વૃદ્ધ દંપતીનો પણ સમાવેશ થાય છે.
પત્નીની હોસ્પિટલે સારવાર કરાવી પરત ફરતાં કાળ ભેટ્યો
મળતી માહિતી અનુસાર, એક વૃદ્ધ પતિ પોતાની પત્નીને પાલનપુર ખાતે હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર પૂર્ણ થયા બાદ બંને વૃદ્ધ દંપતી પોતાના ઘરે પરત ફરવા માટે એક રિક્ષામાં બેઠા હતા. રિક્ષા પાલનપુર-ડીસા હાઈવે પર બાદરપુરા ઘરનાળા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી.
અકસ્માતની તીવ્રતાથી સ્થળ પર જ ત્રણેયના મોત
આ ટક્કર એટલી ગંભીર અને ભીષણ હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર વૃદ્ધ દંપતી અને રિક્ષાચાલક ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક તરફ પત્નીની સારવાર કરાવીને ખુશીથી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ દંપતીનો માર્ગમાં જ કરુણ અંત આવ્યો હતો, તો બીજી તરફ રોજીરોટી કમાતા રિક્ષાચાલકે પણ પોતાનો જીવ ગુમાવતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન અને તેના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




