બનાસકાંઠાના 1750 કાર્યકરો નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેશે
- 8 પ્રાંત અધિકારી, તલાટીઓ, પોલીસ અધિકારીઓને કાર્યક્રમમાં વિવિધ જવાબદારીઓ સોંપાઈ
પાલનપુર,તા.23 ફેબ્રુઆરી 2020, રવિવાર
અમદાવાદ ખાતે આવેલ વિશ્વના સૌથી વિશાળ સરદાર પટેલક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૨૪ ફેબુ્રઆરીને સોમવારના રોજ વિશ્વનીબે મહાન લોકશાહી ધરાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદીના સ્વાગતમાં નમસ્તે ટ્રમ્પ નામનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના ૧૭૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાગ લેવાના છે.
વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે આજે સૌપ્રથમવાર ગુજરાતના મહેમાન બની રહ્યા છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે અમદાવાદના નવનિર્મિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે નમસ્તે ટ્રમ્પ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી એક લાખથી વધુ લોકો ઉમટી પડવાના હોઈ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને અભૂતપૂર્વ બનાવવા માટે તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે. જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાંથી ૧૭૫૦ જેટલા ભાજપના આગેવાનો અને કાર્યકરો આ કાર્યક્રમમાં ભાગ લેવાના હોઈ તંત્ર દ્વારા તેમની મુસાફરી માટે ૩૫ જેટલી એસટી બસો મુકવામાં આવી છે. અને બસ દીઠ એક તલાટી સહિતના કર્મચારીઓને સ્ટેડીયમ સુધી લોકોને લાવવા લઈ જવાની જવાબદારી સોંપાઈ છે. જોકે બનાસકાંઠા જિલ્લાના તમામ ૮ પ્રાંત અધિકારીઓને પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વિવિધ જવાબદારી સોંપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદમાં એરપોર્ટથી સરદાર પટેલ સ્ટેડીયમ સુધી ટ્રમ્પનો વિશાળ રોડ શો યોજાવાનો હોઈ આ દરમિયાન અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બનાસકાંઠા પોલીસ વિભાગમાંથી એક ડીવાયએસપી, સાત પીઆઈ અને પોલીસ સ્ટાફને અમદાવાદ ખાતે બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે.