રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ વિરૃધ્ધ પ્રોફેસરે પાલિકામાં મુંડન કરાવ્યું
- પાલનપુરમાં નગરપાલિકા વિરૃધ્ધ પ્રોફેસરની ગાંધીગીરી
- બાંધકામ રોકવા અગાઉ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી આપી હતી
પાલનપુર તા.29 જૂન 2020, સોમવાર
પાલનપુરમાં સીવીલ હોસ્પિટલ પાછળ આવેલ બ્રાહ્મણવાસના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોમશિયલ બાંધકામ કરવામાં આવતા રહીશો દ્વારા આ બાંધકામને રોકવા માટે કોર્ટના દ્વારા ખખડવવામાં આવ્યા છે. અને તંત્રમાં અનેકવાર લેખિત રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા વિવાદીત બાંધકામને બંધ કરાવવામાં ન આવતા આખરે સ્થાનિક પ્રોફેસરે તંત્ર સામે ગાંધીગીરીનો માર્ગ અપનાવી ને નગર પાલિકામાં માથે મુંડન કરાવી આમરણાંત ઉપવાસનું આંદોલન કરતા પાલિકા તંત્ર હરકતમાં આવી જવા પામ્યું છે.
પાલનપુર સીવીલ હોસ્પિટલમાં પાછળ આવેલ બ્રાહ્મણવાસના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોમશિયલ બાંધકામનો વિવાદ ચાલી રહ્યો છે. જોકે કોરોનાને લઇ બંધ કરાયેલ બાંધકામ પુનઃ શરૃ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. અને આ ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે સ્થાનિકો દ્વારા અગાઉ નગરપાલિકા સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆતો કરવામાં આવી હતી. અને બાંધકામ સામે મનાઇ હુકમ મેળવ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા બિલ્ડર સામે કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતા બિલ્ડર દ્વારા ફરીથી બાંધકામ શરૃ કરી દેવામાં આવતા રહિશોમાં રોક્ષ ભભુકી ઉઠયો હતો અને તાજેતરમાં કોમર્શિયલ બાંધકામ વિરૃધ્ધ રહીશ પ્રો.શૈલેષકુમાર જયસ્વાલે નગર પાલિકામાં મુડન કરાવી ને આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી. તેમ છતાં પાલીકા તંત્ર દ્વારા બાંધકામ બંધ કરાવવામાં ન આવતા આખરે પ્રોફેસર શૈલેષકુમારે સોમવારે નગરપાલિકાના મુખ્યદ્વાર પર પોતાના માથે મુંડન કરાવી ને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા પાલીકા દ્વારામાં હલચલ મચી જવા પામી હતી.