Get The App

અંબાજી: કોરોનાને લઈ જગવિખ્યાત મહામેળો પ્રથમવાર બંધ રહે તેવી સંભાવના

- ભાદરવી પૂનમના મિનિકુંભને કોરોનાનું સંકટ

- મહામેળા અંગે સરકારના ત્રણ મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી અહેવાલ રજૂ કરશે

Updated: Jul 17th, 2020

GS TEAM

Google News
Google News
અંબાજી: કોરોનાને લઈ જગવિખ્યાત મહામેળો પ્રથમવાર બંધ રહે તેવી સંભાવના 1 - image

પાલનપુર, અંબાજી,તા.16 જુલાઈ 2020, ગુરૂવાર

રાજ્યભરમાં કહેર વર્તાવી રહેલ કોરોના મહામારીને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભરાતો જગવિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો યોજવો કે બંધ રાખવો તેને લઈ તંત્ર અવઢવમાં મુકાયું છે. જોકે કોરોનામાં સંક્રમણ વચ્ચે મેળો યોજવો હિતાવહ છે કે કેમ તે અંગેનો તાગ મેળવવા સરકારના ત્રણ મંત્રીની સમિતિ રચાઈ છે. જે મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી અહેવાલ મુખ્યમંત્રીને સોંપશે. જે બાદ મેળા અંગે આખરી નિર્ણય કરવામાં આવશે. જોકે હાલ બનાસકાંઠા સહિત રાજ્યભરમાં વધી રહેલા કોરોના કેસોને લઈ અંબાજીનો મહામેળો ઈતિહાસમાં પ્રથમવાર બંધ રહે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન અંબાજી શક્તિપીઠમાં ભાદરવી પૂનમના મિનિકુંભને લઈ સરકાર અને તંત્ર અવઢવમાં મુકાયું છે. છેલ્લા ત્રણેક માસથી રાજ્યભરમાં કોરોના વાઈરસ બેકાબૂ બનીને કહેર વર્તાવી રહ્યો છે અને દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ તેજ રફતારથી ફેલાઈ રહ્યું છે. ત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટતા હોય છે ત્યારે ચાલુ વર્ષે જો મહામેળો ભરાય તો કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવનાને લઈ સરકાર દ્વિધામાં મુકાઈ છે અને મેળો યોજવો કે મોકૂફ રાખવો તે અંગેનો તાગ મેળવવા માટે સરકારના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ત્રણ મંત્રીની સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરીને અહેવાલ તૈયાર કરશે અને આ અહેવાલ મુખ્યમંત્રીને રજૂ કરશે. જે બાદ મેળા અંગે આખરી નિર્ણય લેવાનું નક્કી કરાયું છે. જોકે હાલ વધતા જતા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા જોતા ભાદરવીના મેળો પ્રથમવાર બંધ રહે તેવી સંભાવના વર્તાઈ રહી છે. જોકે અંબાજીમાં વર્ષોથી યોજાતા આ મહામેળામાં દર વર્ષે ૨૫ લાખ ઉપરાંતના શ્રધ્ધાળુઓ પગપાળા અને વાહનો મારફતે માતાજીના દર્શને ઉમટે છે અને સાત દિવસ સુધી અંબાજીમાં માતાજીનો મીની કુંભ યોજાય છે. જેમાં દેશભરમાંથી લાખો ભક્તો માતાજીના ચરણે શિશ નમાવીને ધન્યતા અનુભવે છે. પરંતુ ચાલુ વર્ષે ભાદરવીના મેળા પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું હોય તંત્ર પણ વિમાસણમાં મુકાયંુ છે.

મેળા અંગે ત્રણ મંત્રીની સમિતિ રચાઈ

રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્તમાન કોરોનાની પરિસ્થિતિ વચ્ચે અંબાજીમાં ભાદરવીનો મેળો યોજવો કે નહી તે અંગે સરકારના ત્રણ મંત્રીની સમિતિ રચવામાં આવી છે. જેમાં મંત્રીઓ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી મેળા અંગે અહેવાલ તૈયાર કરીને મુખ્યમંત્રીને રજૂ કરશે જે બાદ આખરી નિર્ણય લેવાશે.

રજીસ્ટર સંઘો દ્વારા સરકારમાં મંજૂરી માંગવામાં આવી

ભાદરવી પૂનમિયા સંઘના પ્રમુખ નવનીતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના વચ્ચે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જવાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા માટે રજીસ્ટર થયેલ ૧૪૦૦ જેટલા સંઘોને માત્ર પાંચ વ્યક્તિ અને માતાજીના રથ સાથે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમય અને તારીખે અંબાજી જવા મંજૂરી માંગવામાં આવી છે.

મેળો બંધ રહે તો વેપારીઓને નુકશાન થશે

બનાસકાંઠા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં નાના-મોટા વેપારીઓ સ્ટોલ નાખીને વેપાર-ધંધો કરી રોજગારી મેળવે છે. જોકે મેળો બંધ રહે તો અંબાજી સહિત બહારથી આવતા વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે.

ગત વર્ષમાં 20 લાખ શ્રધ્ધાળુઓ ઉમટયા હતા

અંબાજીમાં વર્ષ ૨૦૧૯માં યોજાયેલ ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં ૧૯,૮૪,૮૯૭થી વધુ ભક્તોએ માતાજીના દર્શનનો લાવો લીધો હતો. જેમાં મેળાના છેલ્લા પૂનમના દિવસે ૩.૫૦ લાખ લોકોએ માતાજીના ચરણે શીશ ઝુકાવ્યું હતું.

Tags :