60 દિવસ બાદ હિલસ્ટેશન માઉન્ટઆબુ ખુલ્યું પરંતુ સહેલાણીઓને પ્રવેશ બંધ
- શણગાર વિનાની દુલ્હન જેવું નખી તળાવ
- ઉનાળાની રજાઓની સિઝન પૂરી થવા આવી, ગુજરાતના સહેલાણીઓને પ્રવેશ મળશે તેવી રાહ
અમીરગઢ, તા. 21 મે 2020, ગુરૂવાર
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકડાઉન ખુલી ગયેલ છે પરંતુ સહેલામીઓને પ્રવેશ ના મલતા આવી કાળઝાળ ગરમીમાં પણ માઉન્ટ આબુ સુમસામ ભાસી રહ્યું છે.
નોવેલ કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠયું છે ત્યારે ભારતમાં આવી ખતરનાક જીવલેણ વાઈરસ સામે લડવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉન ચોથા ચરણમાં ચાલી રહ્યું છે પરંતુ અમુક વિસ્તારો જે કોરોના સંક્રમણમાં નથી આવ્યા તેવા વિસ્તારોને ગ્રીન ઝોન જાહેર કરી છુટછાટ આપેલ છે. જેમાં રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કોરોનાનો એક પણ કેસ ના નોંધાતા ગ્રીન ઝોન જાહેર કરાયેલ છે અને બે મહિનાના સમય બાદ માઉન્ટ આબુના બજારો ખુલ્યા હતા પરંતુ માઉન્ટ આબુમાં ગરમીઓના દિવસોમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે પરંતુ ગુજરાતીઓને અમીરગઢ તથા રાજસ્થાનની માવલ બોર્ડર પરથી પ્રવેશ ના મળતા માઉન્ટ આબુ સહેલાણીઓ વિના શણગાર વિનાની દુલ્હન જેવુ ંલાગી રહ્યું છે. ઉનાળો અને દિવાળી જેવી રજાઓમાં માઉન્ટ આબુની મુખ્ય સિઝન હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સિઝન ફેલ જતા વેપારીઓ અને હોટલ માલિકો ચિંતામાં મુકાઈ ગયા છે અને હવે ગુજરાતના સહેલામીઓને ક્યારે પ્રવેશ મળશે તેની રાહ જોઈ બેઠા છે.