ગેરહાજર રહીને અન્ય સ્થળેથી હાજરી પૂરતા ત્રણ આરોગ્ય કર્મી ઝડપાયા
- બનાસકાંઠામાં ફરજ સ્થળે
- મેરવાડા, બલોધણ અને વડપગના એસએફડબલ્યુને કારણદર્શક નોટિસ ફટકારાઈ
પાલનપુર,
તા. 15 ફેબ્રુઆરી 2020, શનીવાર
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની સેવાને વેગવંતી બનાવવાના
પ્રયાસમાં જિલ્લા આરોગ્ય અધિકારીની તપાસમાં ફરજમાં ગુલ્લી મારતા ત્રણ આરોગ્ય
કર્મચારીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતે ફરજ પર હાજર હોવાની હાજરી પુરાવતા ઝડપાઈ
જવા પામ્યા છે. આ ત્રણેય આરોગ્ય કર્મીઓ ઓનલાઈન હાજરી સિસ્ટમમાં ફરજ સિવાયના અન્ય
સ્થળે પહોંચી હાજરી બતાવી રહ્યા હતા. જેને લઈ તેમને નોટિસો ફટકારવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય અધિકારીના સરપ્રાઈઝ ચેકીંગમાં
અનેક ગુલ્લીબાજ અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતા
આરોગ્ય કર્મીઓ ઝડપાયા છે. જેમાં સતત ગેરહાજર રહીને અન્ય દવાખાનામાંથી ઓનલાઈન હાજરી
બજાવતા ત્રણ કર્મચારીઓ આરોગ્ય અધિકારીની તપાસમાં ઝડપાઈ જતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ
મચી જવા પામ્યો છે. આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સીના ચેકિંગમાં મેરવાડા પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પજ હેલ્થ સુપરવાઈઝર સ્વરૃપસિંહ મોહનસિંહ ચૌહાણ જેઓ
ગેરહાજર રહીને રતનપુર આરોગ્ય કેન્દ્રમાં પોતાની ઓનલાઈન હાજરી પુરાવી દેતા હતા.
તેમજ ભાભર તાલુકાના વડપગ પીએચસીમાં ફરજ બજાવતા રાકેશ મકવાણાની હાજરી કાંકરેજ
તાલુકાના આરોગ્ય અધિકારીની કચેરીમાં પુરાતી હતી અને ભાભર તાલુકાના બલોધણ આરોગ્ય
કેન્દ્રમાં મલ્ટીપર્પજ હેલ્થ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અનિલ પરમાર દિયોદર તાલુકા
આરોગ્ય કચેરી અને સીએચસીમાં હાજરી બતાવી દેતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ
ત્રણેય આરોગ્ય કર્મચારીઓ ફરજ સિવાયના સ્થળેથી ઓનલાઈન હાજરી બતાવતા આ ત્રણેય
કર્મચારીઓને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. જેને લઈ ઓનલાઈન હાજરીમાં ગોલમાલ
કરતા આરોગ્ય કર્મીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
ત્રણેય આરોગ્ય કર્મી તેમની ફરજ પર ગેરહાજર રહેતા હતા
આરોગ્ય અધિકારીની તપાસમાં પકડાયેલ ત્રણેય આરોગ્ય કર્મચારીઓ
તેમની મુળ ફરજ ઉપર ગેરહાજર રહેતા હતા. જેમને જે તે પીએચસીના મેડિકલ ઓફિસરો દ્વારા
નજરઅંદાજ કરવામાં આવતા હતા તેમજ નોકરી સિવાયના અન્ય સ્થળે ખોટી રીતે હાજરી પુરાવતા
હોવાને લઈ રતનપુર, દિયોદર
તાલુકા આરોગ્ય અધિકારી અને કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારીની શંકાસ્પદ ભુમિકા જણાઈ
આવી છે.
કયા કયા પીએચસીના આરોગ્ય કર્મી ઝડપાયા
મેરવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટીપર્પજ હેલ્થ
સુપરવાઈઝર સ્વરૃપસિંહ મોહનસિંહ ચૌહાણ રતનપુર આરોગ્ય કેન્દ્રમાં પોતાની ઓનલાઈન
હાજરી પુરાવી દેતા હતા. ભાભરના વડપગ પીએચસીના રાકેશ મકવાણાની હાજરી કાંકરેજ તાલુકા
આરોગ્ય અધિકારીની કચેરીમાં પુરાતી હતી અને ભાભરના બલોધણ આરોગ્ય કેન્દ્રમાં
મલ્ટીપર્પજ હેલ્થ સુપરવાઈઝર અનિલ પરમાર દિયોદર સીએચસીમાં હાજરી બતાવી દેતા હતા.