બિસ્કીટના ખોખામાં લઈ જવાતો તમાકુનો જથ્થો ઝડપાયો
- તમાકુના 40 પેકેટ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી
- ભાભરમાં તમાકુનો જથ્થો લઈ જતા બે સામે ફરિયાદ
ભાભર, તા. 29 એપ્રિલ 2020, બુધવાર
ભાભરમાંથી રિક્ષામાં બિસ્કીટના કાર્ટુનની અંદર પેક કરી બુધાલાલ તમાકુના ચાલીસ પેકેટ વેચાણ કરતા ઝડપાયા છે. અલગ-અલગ કિમીયો કરી તમાકુ વેચતા બે વેપારી સામે પોલીસે ફરિયાદ કરી છે.
ભાભરમાં બિસ્કીટના કાર્ટુનની અંદર પેક કરીને બુધાલાલ નામની તમાકુના ૪૦ પેકેટ ભાભર પોલીસ તથા નગરપાલિકાએ સંયુક્ત રીતે ઝડપી પાડતા આવો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. હકીકત એવી છે કે આજરોજ ભાભર પોલીસ તથા નગરપાલિકાની ટીમ દ્વારા ગુટકા, તમાકુના વેપાર કરતા લોકો પર વોચ રાખવામાં આવી હતી તેમજ નગરપાલિકાને શંકા જતા શાંતિ સૌરભ ટાવર, ક્રિષ્નાનગર સોસાયટીમાં એક રિક્ષામાં તપાસ કરતા કરિયાણા સામાન તેમજ બિસ્કીટના કાર્ટુન મળી આવ્યા હતા. કાર્ટુન ખોલીને ચેક કરતા કાર્ટુન અંદરથી બુધાલાલ તમાકુના ૪૦ પેકેટ મળી આવેલ જેને લઈ ભાભર પીએસઆઈ આશાબેન ચૌધરી દ્વારા રિક્ષાચાલક અમરત ઠાકોર, રહે. ખંડોસણ તેમજ ભાભરમાં કરિયાણાની દુકાન ધરાવતા રાજુ ઠક્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.