ભીલડીમાં કોરોના હોમ કોરોન્ટાઈનનો ભંગ કરનાર શખસ સામે ફરિયાદ નોંધાઈ
- સુરતથી ભીલડી આવેલા વ્યક્તિને 14 દિવસ ઘરમાં રહેવાની સૂચના અપાઈ હતી
ભીલડી, તા. 02 એપ્રિલ 2020, ગુરૂવાર
ડીસા તાલુકાના ભીલડી ગામે સુરતથી આવેલા એક શખસને હોમ કોરોન્ટાઈન કરી ૧૪ દિવસ ઘરમાં રહેવાની સૂચના આપી હતી. જોકે તે જાહેરનામાનો ભંગ કરી બહાર નીકળતા મેડિકલ ઓફિસરે તેમની સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા તાલુકાના ભીલડી ખાતે ઉમિયાનગર સોસાયટીમાં રહેતા શાહ કમલેશભાઈ અમૃતભાઈ તા. ૨૬-૩-૨૦ના રોજ સુરતથી ભીલડી આવ્યા હતા. તે સમયે તેમની પ્રાથમિક તપાસણી આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવી હતી. જેમાં દિન ૧૪ સુધી હોમ કોરોન્ટાઈનમાં રહેવાની સુચના આપી હતી. પરંતુ તેઓ પોતાની મનસ્વીપણે ઘરમાંથી બહાર સોસાયટીમાં તથા ઘરના ખુલ્લા ચોકમાં નીકળી હોમ કોરોન્ટાઈનનો જાહેરનામાનો ભંગ કરી તથા તેમની ઘરની બહાર નીકળી સોસાયટી તેમજ બજારમાં નીકળી કોરોના વાયરસ જેવા જિંદગી જોખમકારક રોગનો ચેપ લગાડી શકે તેવી પરિસ્થિતિ ઉભી કરી તથા કલેક્ટર બનાસકાંઠાના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ અંગે લોરવાડા મેડિકલ ઓફિસર ડો. કે.પી. દેલવાડીયાએ આ ઈસમ વિરુધ્ધ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી મુજબ ગુનો દાખલ કર્યો હતો.