લોખંડનો પાટો માથા પર મારી પત્નિની હત્યા કરતો ક્રૂર પતિ
- ધાનેરાના જાડી ગામે વધુ એક મહિલા ઘરેલું હિંસાનો ભોગ બની
- દવાખાને લઈ જાય તે પહેલાં લોહીથી લથબથ મહિલા મોતને ભેટી ઃ બે સંતાનો નોંધારા બન્યા
ધાનેરા,તા. 18
માર્ચ 2020, બુધવાર
ધાનેરા તાલુકાના જાડી ગામની પરિણીત ૪૫ વર્ષીય મહિલાનું તેના
જ પતિએ માથાના ભાગે લોખંડનો પાટો મારી હત્યા કરી હતી. ઘરેલુ હિંસામાં મોટેભાગે
સ્ત્રી જ ભોગ બને છે. જેમાં માતા બે સંતાનોને નોંધારા છોડી ગઈ છે. પતિના મારથી
ઘરેથી ભાગી અન્ય સાવચેતી વાળી જગ્યા પર જાય એ પહેલા મહિલાનો પીછો કરી એક પછી એક ઘા
માથાના ભાગે મારી સંતાનો માતાની ઘાતકી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે.
ધાનેરા તાલુકાના જાડી ગામે શેરા ગામ જતા રસ્તા પર ખેતરમાં
મકાન બનાવી શેરસિંહ સોલંકી પોતાના પરિવાર સાથે રહેતા હતા અને અવર-નવાર ઘરમાં ઝઘડા
કરવાથી ટેવાયેલા શેરસિંહએ ફરી ગત સાંજે ઘરે ઝઘડો કર્યો હતો. પોતાની પત્ની
કુંવરબાઈને મારવાનો પ્રયાસ કર્યો હતો. ગભરાયેલી મહિલાએ ઘરનો ઓરડો બંધ કરી તેમાં
પુરાઈ ગઈ હતી. જોકે ઉશ્કેરાયેલા પતિએ ઘરના નળિયા દૂર કરી અંદર પ્રવેશવાનો પ્રયત્ન
કરતા માર ખાવો ના પડે તેથી કુવરબાઈ પોતાનો જીવ બચાવવા માટે ઘરનો દરવાજો ખોલી બહાર
તરફ દોડ લગાવી હતી. જ્યારે હેવાન હત્યારો શેરસિંહ પણ તેનીપાછળ દોડી ઘરના થોડે દૂર
જઈ તેને જમીન પર નાખી હાથ લઈ આવેલ લોખંડના પાટા વડે એક પછી એક વાર માથાના ભાગે
કરતા મહિલા ઘટના સ્થળે જ તડપી તડપીને મોતને ભેટી હતી. આસપાસના સગા-સંબંધી પણ દોડી
આવ્યા હતા. મહિલાને હોસ્પિટલ લઈ જવાય એ પહેલા જ લોહીથી લતપથ મહિલા મોતને ભેટી હતી.
આ મામલે ધાનેરા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ડાભી ગત સાંજે જાડી ગામે પહોંચી હત્યા
કરાયેલ મહિલાની લાશને ધાનેરા સરકારી દવાખાને પોસ્ટમોટમ માટે લઈ જવાયો હતો. જ્યારે
આજરોજ બનાસકાંઠા એફએસએલ ટીમ દ્વારા પણ બનાવ વાળી જગ્યા પર લોહીના નમૂના લઈ તપાસ
હાથ ધરી છે. જ્યારે હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર તરીકે લોખંડનો પાટો પણ મળી
આવ્યો છે. ધાનેરા પોલીસે ફરિયાદી પદમસિંહ સોલંકીના જણાવ્યા અનુસાર હત્યારાના
વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હત્યારો માનસિક બિમાર હોવાનું તપાસમાં બહાર આવ્યું
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હત્યા કરનાર ઈસમ માનસિક રીતે
બિમાર હોવાથી તે દવા પણ લેતો હતો અને કોઈ કામધંધો ના કરતો હોવાથી પત્ની દ્વારા
કહેતા ઈશ્કેરાઈ જઈ પોતાની જ જીવનસાથી પત્નીનું જીવન ટુંકાવ્યું છે.