ધાનેરાના વાસણમાં મુંબઈથી આવેલ 10 વર્ષના બાળકને કોરોનાનો ચેપ લાગ્યો
- ગ્રામજનોની જાગૃતતાના કારણે વાસણ ગામમાં કોરોના સંક્રમણ થતું અટક્યું
ધાનેરા,તા.31 મે 2020, રવિવાર
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગતરોજ એક ૧૦ વર્ષીય બાળકમાં કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે. મામલતદાર તેમજ આરોગ્યની ટીમે વાસણ ગામ ેદોડી જઈ સર્વે તેમજ કન્ટેઈનમેન્ટ વિસ્તાર બાબતે કામગીરી શરૃ કરી છે. તાલુકામાં પણ કુલ ચાર જેટલા કેસ કોરોના પોઝીટીવ સામે આવ્યા હતા.
જોકે આ ચાર પૈકી ધાનેરા ખાતે રહેતા શાહરૃખ મુસલ્લાનું સારવાર દરમિયાન અન્ય બિમારીના કારણે મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ કોરોના પોઝીટીવ વ્યક્તિ પણ સારવાર દરમિયાન સાજા થઈ જતા તેમને કોવિડ હોસ્પિટલ ખાતેથી રજા અપાઈ હતી. એટલે ધાનેરા તાલુકો પણ કોરોનામુક્ત બની ગયો હતો. જ્યારે ગતરોજ મુંબઈથી આવેલા એક બાળકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા તંત્ર ફરી દોડતું થઈ ગયું છે. મુંબઈ ખાતેથી આવેલા આ પરિવાર ગત ૨૨મે ના રોજ વાસણ ગામે આવ્યા હતા. નાના મોટા કુલ ૧૧ વ્યક્તિ વાસણ ગામમાં આવતા પહેલા સ્થાનિક સરપંચ તેમજ ગામના આગેવાનોને જાણ કરી હતી. ગામના આગેવાનોએ પણ મુંબઈથી આવેલ તમામ વ્યક્તિને વાસણ ગામની પ્રાથમિક શાળા ખાતે કોરોન્ટાઈન કર્યા હતા. જેના કારણે આ તમામ વ્યક્તિ અર્કજ જગ્યાએ રહેતા અન્ય કોઈ વ્યક્તિના સંપર્કમાં ના આવતા કોરોના સંક્રમણ અટક્યું હતું. આ તમામ વ્યક્તિ વાસણ ગામની પ્રાથમિક શાળામાં કોરોન્ટાઈન હતા.
હાલ વાસણ ગામમાં આરોગ્યની કુલ ૧૧ જેટલી ટીમોને ગ્રામજનોનું સર્વે તેમજ ઉકાળાની પડીકીનુ વિતરણ સહિતની કામગીરી સોંપાઈ છે. જ્યારે ધાનેરા મામલતદાર ભગવાન ખરાડી સહિત તાલુકા પંચાયતની ટીમે પણ હાલ વાસણ ગામે દોડી જઈ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે કામ શરૃ કર્યું છે.