રાજસ્થાનમાંથી 416 શ્રમિકોને 25 બસો દ્વારા ગુજરાત લવાયા
- રાજ્યના વિવિધ જિલ્લાના શ્રમિકોને વતન પહોંચાડાશે
- 7 જેટલી ટીમો દ્વારા મજૂરોનું સ્કીનીંગ કરી તાપમાન આરોગ્ય ચકાસણી કરી હતી
ધાનેરા,તા.29 એપ્રિલ 2020, બુધવાર
લોકડાઉન વચ્ચે ગત રોજ ગુજરાતની સરહદ પર આવેલા નેનાવા ગામની ચેકપોસ્ટ પર પોતાના ઘર તરફ રવાના થવા માટે રાજસ્થાન સરકારની બસોમાં સવાર થઈ કુલ ૪૧૬થી પણ વધારે મજૂરો આવી પહોંચ્યા હતા. આ તમામ મજૂરોને આરોગ્ય ચકાસણી તેમજ નોંધણી માટે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર દ્વારા નેનાવા ગામમાં જ એક કંટ્રોલરૃમ ઉભો કરી તમામ મજૂરોને ફૂડ પેકેટ આપી પોતાના ઘર તરફ રવાના કરવામાં આવ્યા હતા.
રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લામાં અલગ અલગ જગ્યા પર મજૂરો ફસાયેલા હતા. આ મજૂરો ગુજરાત રાજ્યના રાજકોટ, કચ્છ, સુરત, ગાંધીધામ સહિતના નાના મોટા શહેરો-ગામડામાં રહે છે. જ્યારે સમાજના કોઈ કામ માટે આ પરિવારો રાજસ્થાનમાં ગયેલ હતા. જોકે કોરોના વાઈરસ બાબતે લોકડાઉન થતા આ તમામ પરિવારો રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના અલગ અલગ શહેરોમાં ફસાઈ ગયેલા હતા. જ્યારે આ બાબતે ગુજરાત સરકારે તમામ મજૂરોને ગુજરાતમાં લાવવા માટે રાજસ્થાન સરકારને વાત કરતા ગતરોજ ગુજરાતની સરહદ પર રાજસ્થાન રોડવેજની બસોમાં મજૂરો આવી પહોંચ્યા હતા. જ્યારે આ તરફ ગુજરાત સરકારની પણ ૨૫ જેટલી બસો સાથે ધાનેરા વહિવટી તંત્ર મજૂરોને આવકારવા માટે તૈયાર હતું. ધાનેરા આરોગ્ય વિભાગની ૭ જેટલી ટીમો તમામ મજૂરોનું સ્ક્રીનીંગ કરી શરીરનું તાપમાનની માપણી કરી આરોગ્ય બાબતે તપાસ કરી રહ્યા હતા.