અમીરગઢ બોર્ડર પરથી 220 લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા
- ગુજરાતમાં કામ કરતા હજારો મજૂરો રાજસ્થાન જઈ રહ્યા છે
- તંત્ર દ્વારા મજૂરોને ભોજનની વ્યવસ્થા કરાશે
અમીરગઢ, તા. 02 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના વાયરસના કારણે સમગ્ર દેશને વડાપ્રધાન દ્વારા લોકડાઉન કરવામાં આવેલ છે. જ્યારે ગુજરાતમાં ફસાયેલા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા હોઈ અમીરગઢ ચેકપોસ્ટ પરથી તેઓને કોરોન્ટાઈન કરવામાં આવેલ છે.
કોવિડ-૧૯ના લીધે લોકડાઉન કરવામાં આવતા મજુરીઅર્થે ગુજરાતમાં આવતા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતનમાં જવા નીકળ્યા હતા. લોકડાઉનના લીધે વાહનો ના મળતા પાંચસો કિલોમીટરનું અંતર પગપાળા કાપી તેઓ અમીરગઢ આવી પહોંચ્યા હતા. અમીરગઢમાં આવેલ ગુજરાત બોર્ડર અને તેની પાસે આવેલ રાજસ્થાન બોર્ડર વચ્ચે આ લોકોને આગળ જતા અટકાવવામાં આવ્યા હતા. બનાસકાંઠા અને રાજસ્થાનના શિરોહી જિલ્લાના તંત્ર દ્વારા અંદાજે ૮૦૦ જેટલા લોકોને વાહનો દ્વારા તેઓના વતનમાં મોકલી આપ્યા હતા. પરંતુ સ્થિતિ વધુ વણસતા બંને બોર્ડરો વચ્ચેની અવરજવર બિલકુલ બંધ કરતા વધુ ૨૨૦ લોકોને તંત્ર દ્વારા આગળ જતા અટકાવી તેઓને અમીરગઢ મોડેલ સ્કૂલ તથા આદિજાતિ છાત્રાલયમાં હોમ કોરેન્ટાઈન કરવામાં આવેલ છે. આ લોકોને તંત્ર અને અમીરગઢના સેવકો દ્વારા બંને ટાઈમનું ભોજન તથા સમયસર નાસ્તો અને ચા ની તકેદારીપૂર્વક સેવા અપાઈ રહી છે. સેવકો દ્વારા અમીરગઢ અગ્રવાલ ધર્મશાળામાં ભોજન બનાવી આપવામાં આવી રહ્યું છે.