Get The App

પૌરાણિક સાહિત્યથી લઈને શહેરો સુધી મનસા દેવીનું અસ્તિત્વ છે, જાણો સર્પ અને ઔષધિના દેવી શિવજીના પુત્રી કેમ કહેવાય છે

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
Mansa Devi


The Origin and Worship of Mansa Devi : હરિદ્વારના પ્રસિદ્ધ ‘મા મનસા મંદિર’માં ઉમટી પડેલી બેકાબૂ ભીડને લીધે ભક્તજનોના નિધન થયાની ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે કે ઉત્તર અને પૂર્વ ભારતમાં ઘણાં મંદિરોમાં બિરાજતાં મનસા દેવી કોણ છે અને કયા શાસ્ત્રોમાં એમનો ઉલ્લેખ છે. મનસા દેવીને શિવજીના પુત્રી મનાય છે. મહાભારતમાં પણ તેમના ઉલ્લેખ જોવા મળે છે. મનસા દેવી હરિદ્વારથી લઈને બિહાર, બંગાળ અને આસામ સુધી વિદ્યમાન છે, જે સર્પો અને ઔષધિના દેવી ગણાય છે. 

ચાલો ત્યારે આજે મા મનસા દેવીની રોચક પુરાણ કથાઓથી પરિચિત થઈએ.

મનસા દેવી શિવજીના ક્રોધમાંથી જન્મ્યાં હતાં  

પુરાણોમાં મનસા દેવી ભગવાન શિવના પુત્રી તરીકે ઓળખાય છે. શિવ પુરાણ અનુસાર, એક વખત નાગમાતા કદ્રુએ એક બાળકીની માટીની મૂર્તિ બનાવી. એ સમયે અંધકાસુર નામના રાક્ષસના અત્યાચારથી ત્રણેય લોક ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એ જાણીને શિવજી અંધકાસુર પર ક્રોધિત થયા. ક્રોધથી શિવજીના લલાટ પર પરસેવો ફૂટી નીકળ્યો હતો. દદળતા પરસેવાના ટીપાં નાગમાતાએ બનાવેલી મૂર્તિ પર પડતાં મૂર્તિ જીવંત બની. તે બાળકી શિવજીના મનમાં જાગેલા ક્રોધમાંથી જન્મેલી હોવાથી તેનું નામ ‘મનસા’ પડ્યું અને તેઓ શિવજીના પુત્રી ગણાયાં. 

આ પણ વાંચો : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા

સમુદ્રમંથનના વિષમાંથી સર્જાયાં મનસા દેવી

બીજી એક કથા પ્રમાણે, સમુદ્રમંથન દરમિયાન શિવજીએ ઝેર પી લીધું હતું, જેના કારણે તેમનું શરીર તપી ઊઠ્યું હતું. પરિણામે તેમના શરીરમાંથી ઝેરી પરસેવાના ટીપાં ટપકવા લાગ્યા. સર્પદેવીઓએ એ ઝેરી ટીપાં પી લીધા અને એક સર્પકન્યાને જન્મ આપ્યો. એ કન્યાએ શિવજીના ઝેરની તીવ્રતા ઘટાડી હોવાથી તે ‘વિષહરી’ (ઝેર દૂર કરનારી) ગણાઈ. એ વિષહરી તે જ મનસા દેવી.

મહાભારતમાં મનસા દેવીનો પ્રસંગ  

મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે, અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યો હતો કે તે સર્પદંશથી મોત પામશે. તેથી પરીક્ષિતે પોતાના માટે એવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી કે કોઈ સાપ એમની આસપાસ ભટકી પણ ન શકે. જો કે, શ્રાપ તો વિફળ કઈ રીતે થાય? એટલે તક્ષક નામના નાગે એક કીડાનું રૂપ લઈને પરીક્ષિત માટે લવાયેલા ફળમાં પ્રવેશ કર્યો. પરીક્ષિતે જેવું ફળને બચકું ભર્યું તેવો પેલો કીડો પોતાના અસલ રૂપમાં, તક્ષકના રૂપમાં પ્રગટ થયો અને તેણે પરીક્ષિતને ડંખ મારીને તેનો જીવ લઈ લીધો. 

પિતાના આવા મોતથી પરીક્ષિતના પુત્ર જન્મેજયને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે સર્પજાતિનું નિકંદન કાઢી નાંખવા માટે ‘સર્પ યજ્ઞ’નું આયોજન કર્યું. અગાઉ ભૂતકાળમાં નાગમાતા કદ્રુએ સર્પોને શાપ આપ્યો હતો કે તેઓ અગ્નિમાં બળીને ભસ્મ  થઈ જશે. જેથી ખાંડવવન દહન દરમિયાન અનેક સર્પો બળી મર્યા હતા. એમાં જે બચી ગયા હતા એ જન્મેજયના યજ્ઞને લીધે મરવા લાગ્યા. ત્યારે સર્પ જાતિને નામશેષ થતી રોકવા માટે શેષનાગની બહેન મનસા અને તેના પુત્ર આસ્તિક મુનિએ પ્રયાસ કર્યા અને એમને લીધે સર્પ યજ્ઞ રોકાયો હતો. શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં મનસાને ‘જરત્કારુ’ તરીકે ઓળખવામાં આવ્યાં છે.  

મનસા દેવી ‘વિષહરી’ કેવી રીતે બન્યાં?  

પશ્ચિમ બંગાળમાં દસમી કે અગિયારમી સદીમાં ‘મનસા મંગલ’ નામનું કાવ્યમાં રચાયું હતું, જેમાં મનસા દેવી માટે એક જુદી લોકકથા કહેવાઈ છે. ‘મનસા મંગલ’ અનુસાર, ચાંદ સૌદાગર નામનો એક શિવભક્ત વેપારી હતો. દેવી મનસાએ તેને પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો, ત્યારે ચાંદે એમ કહીને ઈનકાર કર્યો કે તે ફક્ત શિવજીની ઉપાસના કરશે. તેથી મનસા દેવીએ ચાંદને દુખી કરવા એના છ પુત્રોને સર્પદંશથી મારી નાંખ્યા. ચાંદના સાતમા પુત્ર લખીંદરનાં લગ્ન બિહુલા નામની કન્યા સાથે થવાના હતા. લગ્ન અગાઉ ચાંદે તેના પુત્ર અને પુત્રવધૂની સુરક્ષા માટે લોખંડનો એવો ઓરડો બનાવડાવ્યો જેમાં એક પણ કાણું ન હોય. મનસા દેવી લુહાર પાસે ગયાં અને તેની પાસે ઓરડામાં એક કાણું પડાવ્યું. ત્યાર પછી લગ્નની પહેલી જ રાતે એ કાણા વાટે ઓરડામાં પ્રવેશીને દેવીએ લખીંદરને કરડીને મારી નાંખ્યો. 

દુખી બિહુલાએ પતિના મૃતદેહ પાસે બેસીને શિવજીનું તપ આદર્યું. તેની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા. ત્યાર પછી શિવજીએ મનસાને સમજાવ્યાં કે ભક્તનો પ્રેમ જબરદસ્તીથી નથી મેળવી શકાતો. તે માટે પાત્રતા કેળવવી પડે. ભક્તના મનમાં આરાધ્ય દેવ પ્રત્યેનો ભક્તિભાવ આપોઆપ પ્રગટવો જોઈએ. શિવજીની સમજાવટથી મનસાને પસ્તાવો થયો અને તેણે લખીંદરના મૃત શરીરમાંથી વિષ હરીને તેને પુનર્જીવિત કર્યો. લખીંદર અને બિહુલાનો સંસાર ફરી શરૂ થયો. 

શિવજી મનસાને દેવત્વ અને લોકકલ્યાણના આશીર્વાદ આપીને કહ્યું કે, જે રીતે તેં લખીંદરનું વિષ હર્યું એ જ રીતે હવેથી તું સૌના જીવનના વિષ હરજે. તે દિવસથી મનસા દેવી એના ભક્તોના જીવનમાંથી વિષ રૂપી પીડાઓ અને દુ:ખ હરતા આવ્યાં છે. તેમને ઔષધિઓના દેવી અને વન દેવી પણ કહેવામાં આવે છે.

મનસા દેવી ઉત્તરથી પૂર્વ ભારત સુધી વિદ્યમાન છે 

હરિદ્વાર ઉપરાંત મંડી, ચંદીગઢ, પંચકુલા, કોલકાતા અને દિસપુરમાં પણ મનસા દેવીના મંદિર છે. તેમની મૂર્તિમાં તેમને સર્પ-છત્રી સાથે બતાવવામાં આવે છે, તેમના હાથમાં પણ સાપ બતાવવામાં આવે છે. મનસા દેવીના નામનો જાપ કરવાથી સર્પ દંશનો ભય દૂર થાય છે અને ઝેરનો પ્રકોપ હળવો થઈ જતો હોવાની માન્યતા છે. તેઓ સર્પો, ઔષધિ અને રક્ષણના દેવી ગણાય છે. શ્રાવણ માસમાં બિહારના મૈથિલ, ભાગલપુર અને મધુબની જેવા વિસ્તારોમાં તેમની વિશેષ પૂજા થાય છે. બંગાળ, બિહાર અને આસામમાં નાગ પંચમીના દિવસે તેમની આરાધના કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં તેમને ‘બિશોહોરી’ અને આસામમાં ‘બિશૈરી’ કહેવાય છે. બંગાળની લોકનાટ્ય પરંપરા ‘જાત્રા’માં ‘બિશોહોરી મનસા માઈ’ની કથાનું નાટ્યરૂપાંતર થાય છે.

Tags :