યોગ્ય દિશામાં એક્વેરિયમ રાખશો તો જ થશે આ 7 ફાયદા

અમદાવાદ, 26 ડિસેમ્બર 2018, બુધવાર
ઘરની સજાવટ માટે અને વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં રાખી લોકો ઘરમાં એક્વેરિયમ રાખતા હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એક્વેરિયમ રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. આ સાથે જ ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ અને તે ઉપરાંત અન્ય ફાયદા ત્યારે જ થાય છે જ્યારે એક્વેરિયમને ઘરમાં યોગ્ય દિશામાં રાખવામાં આવ્યું હોય. તો ચાલો જાણી લો કે કઈ દિશામાં એક્વેરિયમ રાખવું જોઈએ.
એક્વેરિયમની યોગ્ય દિશા અને માછલીઓની સંખ્યા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમને ઘરના આંગણાની સાઉથ વેસ્ટ દિશામાં રાખવું જોઈએ. આ ઘરની એવી જગ્યા હોય છે જ્યાં આવતાં જતા બધાની નજર પડે છે. ઘરમાં રાખેલા એક્વેરિયમમાં 9 માછલી હોવી જોઈએ. આ ઉપરાંત ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે રોજ માછલીઓને ભોજન આપવું. એક પણ દિવસ માછલી ભુખી રહી ન જાય.
સકારાત્મક ઊર્જાનો સંચાર
ઘર અથવા ઓફિસમાં ફિશ એક્વેરિયમ રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. માછલીઓ એવી તમામ ઊર્જાને ઘરમાં પ્રવેશ કરતા અટકાવે છે જેની જરૂર હોતી નથી.
ખરાબ નજરથી બચાવ
ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે માછલીઓ સારા શુકનનું પ્રતિક હોય છે. ઘરમાં એક્વેરિયમ રાખવાથી બહારથી આવતા લોકોની ખરાબ નજરથી ઘર બચી જાય છે.
કાર્યમાં પ્રગતિ
રોજ માછલીઓને ભોજન નાખવાથી કાર્યમાં પ્રગતિ થાય છે. વાસ્તુ અનુસાર માછલીઓને ભોજન કરાવવું શુભ ગણાય છે. આ ઉપરાંત ઘરમાં ચી નામની ઊર્જાનો સંચાર થાય છે. આ ઊર્જા ઘરમાં ધન સંપત્તિમાં વધારો કરે છે.
અણધારી આફતથી રક્ષણ
જો કોઈ કારણવશ એક્વેરિયમમાં કોઈ માછલી મરી જાય છે તો તેનો અર્થ થાય છે કે ઘર પર આવેલી મુસીબત દૂર થઈ છે. માછલીઓ ઘર પર આવનાર મુસીબતને પોતાના પર લઈ લે છે.
ધનનો અભાવ દૂર થશે
જો ઘરમાં ધનનો અભાવ રહેતો હોય તો માછલી અચૂક ઘરમાં રાખવી. વાસ્તુ દોષ એક્વેરિયમ રાખવાથી દૂર થાય છે અને પૈસાની અછત પણ તે દૂર કરી દે છે.
માનસિક તાણ અને ક્લેશ દૂર થશે
માનવામાં આવે છે કે એક્વેરિયમ રાખવાથી ઘરના સભ્યોને માનસિક શાંતિ મળે છે. જો તમે માનસિક તાણથી ઘેરાયેલા રહો છો તો ઘરમાં એક્વેરિયમ જરૂર રાખવું. એક્વેરિયમ ઘરના સભ્યોના મન શાંત કરે છે અને ક્લેશ પણ દૂર થાય છે.

