- માનસિક પરિતાપ જણાય, મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં
- 2079નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષારંભે આરોગ્યને પ્રાધાન્ય આપીને ઘર-પરિવાર સંતાન, નોકરી ધંધાના કામ કરવા
- ખેડૂત વર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે ખેતીમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના લીધે પાક બગડે નહીં તેની કાળજી રાખવી પડે
- વર્ષારંભે આરોગ્યને પ્રાધાન્ય આપીને ઘર-પરિવાર સંતાન, નોકરી ધંધાના કામ કરવા
- વિદ્યાર્થી વર્ગે સંવત 2079ના વર્ષારંભથી જ ભણતર ઘડતર માટે વર્ષ દરમ્યાન ધ્યાન રાખવું જ પડે
- આરોગ્ય માટે સંભાળવું પડે, વાયરલ સીઝનલ કોઇને કોઈ બીમારી આપને આવી જાય
સં વત ૨૦૭૯ના વર્ષારંભથી ૧૭-૧-૨૦૨૩ સુધી શનિની નાની પનોતી છે ત્યારબાદ પનોતી નથી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ છે. તેમજ રાહુનું પરિભ્રમણ આપને માનસિક પરિતાપ ચિંતા રખાવે.
આરોગ્ય સુખાકારી
વર્ષારંભથી તા. ૨૧-૪-૨૦૨૩ સુધીનું ગુરૂનું પરિભ્રમણ જે રીતે ચાલી રહ્યું છે તે દરમ્યાન આપે આરોગ્ય સુખાકારી માટે સંભાળવું પડે. વાયરલ સીઝનલ નાની નાની કોઇને કોઈ બીમારી આપને આવી જાય.
તા. ૧૩ નવેમ્બરથી તા. ૧૨ માર્ચ સુધીનો સમય આપના માટે વધુ પ્રતિકૂળ રહે. આપે પડવા વાગવાથી મચકોડ ફ્રેકચરથી સંભાળવું પડે. અગ્નિ-ઇલેક્ટ્રીકથી દાઝવાથી આપે સંભાળવું પડે. ઘરમાં ને ઘરમાં જ હરતા ફરતા પથારીમાંથી ઉઠવા બેસવામાં ઉભા થવામાં પગ લપસી જતાં આપની મુશ્કેલીમાં વધારો થાય. બંધનયુક્ત પરિસ્થિતિમાં આવી ગયા છો તેવું અનુભવાય.
તા. ૨૧-૪-૨૩ પછી ગુરૂનું રાહુ સાથેનું પરિભ્રમણ આપને પેટ-પેઢુની, એસી.ડી.ટી. કબજીયાત તકલીફ રખાવે. માનસિક પરિતાપ ચિંતા રખાવે. વિચારોની દ્વિધા અસમંજસતા અનુભવાય. તા. ૧૮-૮થી ૧૭-૧૦ સુધીના સમયમાં પેટ પેઢુની તકલીફ વધે. તે સિવાય આંખોમાં, મો માં દર્દ પીડા જણાય. ખભાની ગરદનની પીડા રહે. સર્વાઇકલની તકલીફ ઉભી થાય તેવું બને. આ સમય દરમ્યાન તીખુ-તળેલુ-બહારનું ખાવાપીવામાં આપે સાવધાની રાખવી પડે.
આર્થિક સુખ સંપત્તિ
સંવત ૨૦૭૯માં આપે આવક જાવકનું પ્રમાણ સાચવવું પડે. આવક છતાં ખર્ચાઓને કારણે બચતમાં કાપકૂપ કરવી પડે. અથવા બચત થઇ શકે નહીં. આપના ખર્ચાઓને પહોંચી વળવા માટે આવક ઉપરાંત આપની બચતનો ઉપયોગ કરવો પડે તેવું બને. તેથી ખોટાખર્ચાઓ પર કાપ મૂકી કરકસર બચતનું આયોજન કરવું પડે. જેથી આપના પારિવારીક ખર્ચાઓ, વ્યવહારો સાચવવામાં તકલીફ ના પડે.
કૌટુંબિક પારિવારીક સંયુક્ત મિલ્કતની વહેંચણીમાં આપને અન્યાય થાય. દગો વિશ્વાસઘાત થાય.કૌટુંબિક પારિવારીક સંબંધોમાં પ્રતિકૂળતાઓ આક્ષેપ અપયશ નુકસાન સહન કરો છતાં આપને પરેશાન કરવાના પ્રયત્નો થાય. જેની અસર આપના શારિરીક માનસિક સ્વાસ્થ્ય પર પડે. તેમ છતાં તમારા આત્મવિશ્વાસથી ભક્તિ પૂજા મંત્રજાપથી વર્ષ હેમખેમ પસાર કરી શકો.
વર્ષના ઉત્તરાર્ધમાં ગુરૂ-રાહુની યુતિ આપને માનસિક પરિતાપ રખાવડાવે જેના લીધે અયોગ્ય નિર્ણય લેતાં તેની અસર આવક પર ના પડે તેની તકેદારી આપે રાખવી પડે. પરંતુ ધીરજ અને શાંતિ રાખીને વિચારીને કાર્ય કરશો, તો આવક આવતી રહે અને આપના ખર્ચ નીકળતા રહે. પરંતુ જો ખોટા કામ કરશો તો આપની આવકને યશ-પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. કાનૂની વિવાદમાં, અન્ય વિવાદમાં આપની પીછેહઠ થાય. તા. ૧૮-૮ થી ૧૭-૧૦ દરમ્યાન આકસ્મિક ખર્ચાઓના લીધે નાણાભીડનો અનુભવ થાય.
પત્ની-સંતાન-પરિવાર
સંવત ૨૦૭૯નું વર્ષ પત્ની-સંતાન પરિવાર માટે મધ્યમ રહે. વર્ષારંભથી તા. ૧૭-૧-૨૦૨૩ સુધી સંતાનની ચિંતા રહે. તેના કામ માટે દોડધામ ખર્ચ જણાય. પત્ની સાથે નાની મોટી કોઇને કોઇ વાતમાં રકઝક થઇ જવાના લીધે તેની અસર આપના સાંસારિક જીવન પર પડે. છૂટા છેડાના કેસમાં આપની ચિંતા-દોડધામ ખર્ચમાં વધારો થાય. વર્ષના ઉત્તરાર્ધમાં અવિવાહીતવર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. પરંતુ પ્રેમ-મિત્રતા લાગણીના ચક્કરમાં ખોટા પાત્રમાં ફસાઈ ન જાવ તેની આપે તકેદારી રાખવી પડે. છેલ્લી ઘડીએ કોઈ આડખીલી રૂપ બનતાં વિવાહ-લગ્નનું નક્કી થતાં થતાં રહી જાય. ભાઈભાંડુ વર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે.
નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?
કારતક સુદ એકમ તા. ૨૬-૧૦-૨૦૨૨થી વૈશાખ સુદ એકમ તા. ૨૧-૪-૨૦૨૩ સુધી આપે નોકરીમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગ ખટપટ કરનાર વર્ગનો સામનો કરવો પડે. તેઓ આપના કાર્યમાં મુશ્કેલી ઉભી કરી આપને પરાસ્ત કરવાના કોઇને કોઈ પ્રયત્નો કર્યા કરે. ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગની ખોટી કાન ભંભેરણી કરી આપની સામે ઉશ્કેરવાના કે આપની વિરુધ્ધ કરવાના પ્રયત્નો કરે. પરંતુ આપે ધીરજ અને સમજદારી રાખી સત્યનિષ્ઠા પ્રમાણિકતાથી કામની જવાબદારીમાં એકાગ્રતા રાખી શાંત સ્વસ્થ ચિત્તે પોતાનું કામકાજ કરવું. લોભ લાલચમાં આવી જઇને નોકરી છોડી ધંધો કરવાનું સાહસ કરવું નહીં કે લાંબી રજાઓ લઇ પરદેશ જવું નહીં.
તા. ૨૧-૪-૨૦૨૩થી ગુરૂનું પરિભ્રમણ રાહુ સાથે થઇ રહ્યું છે તેથી નોકરીમાં આપે વિશેષ ધ્યાન રાખવું પડે. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં કે કોઈ કામ કરવા નહીં. ઓફિસમાં કે બહાર કોઇની આગળ આપના સહકર્મચારીઓનું ખરાબ બોલવું નહીં તે સિવાય જેઓ ઉચ્ચ પદે કામગીરી સંભાળતા હોય તેમણે મહત્ત્વના અગત્યના નિર્ણયો લેવામાં ધ્યાન રાખવું પડે. કામના તણાવની અસર આપના માનસિક શારિરીક સ્વાસ્થ્ય પર ન પડે તેની તકેદારી આપે રાખવી પડે. પત્ની નોકરી કરતી હોય તો તેની અસર આપના રોજિંદા જીવનમાં સાંસારિક જીવનમાં પડે.
ધંધામાં વર્ષ કેવું પસાર થાય ?
આ વર્ષ ધંધામાં ચઢાવ-ઉતારનું રહે. તેમ છતાં ધંધો સચવાઈ રહેતાં, આવક જળવાઈ રહેતા આપના ખર્ચાઓ પૂરા કરી શક્તા આનંદ-ઉત્સાહ રહે. તા. ૨૧-૪-૨૦૨૩ સુધી ધંધામાં હરિફ વર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. આપના ગ્રાહકવર્ગને, સ્ટાફને તોડવા માટેના પ્રયત્નો થાય. આપને રાજકીય સરકારી દબાણમાં, તપાસમાં લાવવાના પ્રયાસો થાય. કાનૂની કાર્યવાહીમાં ફસાવવાના કે તેમાં આપનો સમય બગાડવાના ધંધા પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસો થાય. સીઝનલ ધંધામાં જરૂર પૂરતો જ માલનો ભરાવો કરવો. વધુ પડતો માલ ભરી રાખવામાં નુકસાનીનો સામનો કરવો પડે તેવું બને.તા. ૨૧-૪-૨૦૨૩થી ૩૦-૧૦-૨૦૨૩ સુધી ગુરૂ રાહુનો ચાંડાળયોગ રહે છે જેના લીધે આપને માનસિક ચિંતા-ઉચાટ રહે. પત્ની સંતાન પરિવારની ચિંતાના લીધે ધંધામાં પૂરતું ધ્યાન આપી શકો નહીં તે સિવાય કોઈના દોરવાયા દોરવાઈ જઈને કે આવેશ ઉશ્કેરાટમાં આવી જઇને કોઈ નિર્ણયો કરવા નહીં.તા. ૧૩-૧૧-૨૦૨૨થી તા. ૧૨-૩-૨૦૨૩ સુધીનો સમય અગ્નિ પરીક્ષાનો રહે. નાણાંકીય લેવડ-દેવડમાં આપે ધ્યાન રાખવું પડે. લોન લેવામાં તકલીફ પડવાને લીધે આપના આયોજન ખોરવાઈ જાય. આપનું કામ કઢાવવા માટે લાંચ આપવાના પ્રયાસોમાં ફસાઈ કે પકડાઈ ના જાવ તેનું ધ્યાન રાખવું પડે. કોઇના જામીન બનવામાં આપે સાવચેતી રાખવી. ઉધારમાં ધંધો કરવો નહીં.
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગ માટે વર્ષ મધ્યમ રહે. પોતાના આરોગ્યની કાળજી રાખીને કાર્ય કરવું. વર્ષારંભે સાસરી પક્ષે મોસાળપક્ષે બિમારી ચિંતાનું દોડધામ ખર્ચનું આવરણ આવી જાય. વડીલવર્ગની ચિંતા જણાય. ભાઈભાંડુ વર્ગના આરોગ્યની બાબતે આપ અસ્વસ્થતા અનુભવો. વાદ-વિવાદથી મનદુઃખ ગેરસમજથી સંભાળવું પડે. તા. ૨૧-૪-૨૦૨૩થી તા. ૩૦-૧૦-૨૦૨૩ સુધી ગુરૂ રાહુનો ચાંડાળ યોગ આપને પતિના આરોગ્ય આયુષ્યની ચિંતા રખાવે. પતિ સાથે કોઈ બાબતે મનદુઃખ મનભેદ ઉભા થઇ જાય. તે સિવાય આપે નોકરી ધંધામાં ઉતાવળીયા કોઈ નિર્ણય કરવા નહીં. ધીરજ, સમજદારી શાંતિપૂર્વક સમય પસાર કરી લેવો.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થી વર્ગે સંવત ૨૦૭૯ના વર્ષારંભથી જ ભણતર ઘડતર માટે આ વર્ષ દરમ્યાન ધ્યાન રાખવું જ પડે. મિત્રવર્ગ સાથે હરવા ફરવામાં આળસ બેકાળજી વ્યસનના ચક્કરમાં અભ્યાસ બગડે અને સારું પરિણામ ન આવે કે અભ્યાસનું વર્ષ નિષ્ફળ જાય. ભણતર ઘડતરની ફેરફારી થાય તેનો પસ્તાવો જીંદગીભર રહે. પારિવારીક સારા નરસા પ્રસંગો આપની એકાગ્રતાને સ્થિરતાને ખંડીત કરે તેમ છતાં નિરાશા રાખ્યા વગર મહેનત કરવી અને પરિક્ષા આપવામાં પાછીપાની કરવી નહીં. વર્ષના ઉત્તરાર્ધમાં આપે હતાશા-નિરાશામાં આવી જવું નહીં. કારકીર્દીના વર્ષમાં કે તેની પસંદગીમાં આપે કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં.
ખેડૂત વર્ગ
ખેડૂત વર્ગ માટે વર્ષ મધ્યમ રહે. વર્ષારંભે ખેતીમાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના લીધે પાક બગડે નહીં તેની કાળજી આપે રાખવી પડે. તે સિવાય જંગલી જાનવર આપના પાકને નુકસાન ના પહોંચાડે તેનું ધ્યાન રાખવું. તે સિવાય તા. ૧૩-૧૧ થી તા. ૧૨-૨ સુધી નો સમય આપે જમીન-વાહનની ખરીદીમાં ધ્યાન રાખવું પડે. શિયાળુ પાકમાં આપની ગણત્રી ધારણા અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. તે સિવાય આપના આરોગ્યની અસ્વસ્થતાને લીધે આપે અન્ય કોઇને ભાગે ખેતી કરવા આપવું પડે. જેમાં આપની મુશ્કેલી જણાય. તે સિવાય ૧૮-૮ થી ૧૭-૧૦ના સમયમાં નાણાંકીય મુશ્કેલીનો અનુભવ થાય.
ઉપસંહાર
ટૂંકમાં સંવત ૨૦૭૯નું વર્ષ આપના માટે મધ્યમ રહે. વર્ષારંભે આરોગ્યને પ્રાધાન્ય આપીને ઘર-પરિવાર સંતાન, નોકરી ધંધાના કામ કરવા. વર્ષ પસાર થાય તેમ આપને થોડી રાહત રહે. તેમ છતાં આપને માનસિક પરિતાપ જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.


