ભારતના 5 ધાર્મિક મહત્ત્વ ધરાવતા નાગ મંદિર, અહીં દર્શનથી થાય છે કાલ સર્પદોષનું નિવારણ
Powerful Nag Temples in India : આજે નાગ પાંચમના દિવસે ભક્તો ભગવાન શિવની દર્શન કરવા માટે પહોંચે છે અને નાગ દેવતાને દૂધ ચઢાવે છે. કહેવાય છે કે, જે ભક્તો આજના દિવસે નાગ દેવતાને જળ ચડાવે છે, તેના જીવનના દરેક દુઃખ દૂર થાય છે. સાથે તમામ દોષોમાંથી મુ્ક્તિ મળે છે. પરંતુ કેટલાક મંદિરોની પોતાની અલગ માન્યતા છે, જ્યાં દર્શન કરવાથી તમારા જીવનના કેટલીક વસ્તુ બદલાઈ જાય છે. આજે અમે નાગ પાંચમના દિવસે ભારતના કેટલાક એવા મંદિરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેને શ્રદ્ધાના પ્રતીક માનવામાં આવે છે. અહીં આવી દર્શન કરવાથી બીમારી તેમજ દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો: રક્ષાબંધન 2025: ક્યારે છે ભદ્રાકાળ? જાણો રાખડી બાંધવાના ત્રણ શુભ મુહૂર્ત
મન્નારસાલા શ્રી નાગરાજા મંદિર, કેરળ
કેરળના હરિપાડમાં આવેલા જંગલોથી ધિરા મન્નારસાલા શ્રી નાગરાજા મંદિર ભારતનું એક વિશિષ્ટ મંદિર છે. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે, પૂજાની જવાબદારી એક મહિલા પૂજારી સંભાળે છે. મંદિર નાગરાજા એટલે કે સાપોના રાજાને સમર્પિત છે, અહીં 30 હજારથી વધુ નાગોની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે. શ્રાવણ મહિનામાં અહીં એક આધ્યાત્મિક ઊર્જા જોવા મળે છે. લોકોનું માનવું છે કે, અહીં પૂજા કરવાથી સંતાન સાથે જોડાયેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે અને પરિવારની પેઢીઓ સુરક્ષિત રહે છે.
કુક્કે સુબ્રમણ્ય મંદિર, કર્ણાટક
દક્ષિણ કન્નડના વેસ્ટર્ન ઘાટમાં ખૂબસૂરત પહાડોની વચ્ચે આવેલા કુક્લે સુબ્રમણ્ય મંદિર સાપોના દેવતાને સમર્પિત છે. અહીં ભગવાન સુબ્રમણ્યને દરેક નાગોના સ્વામી તરીકે પૂજવામાં આવે છે. લોકો ખાસ કરીને સર્પ સંસ્કાર અને અશ્લેષા બલી જેવા કેટલાક ખાસ અનુષ્ઠાન કરે છે, જેનાથી પૂર્વજોના શ્રાપમાંથી મુક્તિ મળે છે.
નાગચંદ્રેશ્વર મંદિર, ઉજ્જૈન
મહાકાલેશ્વર મંદિર વિશે આપણે સૌ પરિચિત છીએ. તેના ત્રીજા માળે આવેલું નાગચંદ્રેશ્વર મંદિર ઉજ્જૈનના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે નાગપંચમીના દિવસે ખૂલે છે અને 24 કલાક પછી બંધ થાય છે. અહીં ભગવાન શિવ, દેવી પાર્વતી અને તેમના ઉપર નાગ દેવતા ફેણ ચડાવીને બેઠેલાની મૂર્તિઓ છે. શ્રાવણ મહિનામાં અહીં દર્શન કરવા ભક્તો માટે સૌભાગ્યની વાત છે.
નાગ વાસુકી, ઉત્તર પ્રદેશ
નાગ વાસુકી મંદિર પ્રયાગરાજના દારાગંજમાં ગંગા નદીના કિનારે આવેલું છે, અને સાપના રાજા વાસુકીને સમર્પિત છે. આ મંદિર કાલસર્પ દોષથી પીડિત લોકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શ્રાવણ અને નાગ પંચમીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે. મંદિર ત્રિવેણી સંગમ (ગંગા, યમુના અને સરસ્વતીનું મિલન સ્થળ) તરફ આવે છે, જેના કારણે તેની પવિત્રતા અને મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
નાગ મંદિર, જમ્મુ- કાશ્મીર
પટનીટોપની લીલીછમ અને સુંદર ટેકરીઓ વચ્ચે આવેલું નાગ મંદિર ખૂબ જ શાંત અને પ્રાચીન સ્થળ છે. આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને આ સર્પ દેવતાને સમર્પિત છે. શ્રાવણ અને નાગ પંચમી દરમિયાન અહીં આધ્યાત્મિક ઊર્જા અનેકગણી વધી જાય છે. જ્યારે અહીં જાપ અને પૂજા થાય છે, ત્યારે ભક્તો ધન્યતા અનુભવે છે.