વર્ષમાં માત્ર 24 કલાક માટે ખુલે છે ભોળાનાથ અને નાગ દેવતાનું આ મંદિર, કાલસર્પ દોષથી મળે છે મુક્તિ
Nagchandreshwar Mandir: દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પાંચમ તિથિએ નાગપાંચમ ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા થાય છે. માન્યતા છે કે નાગ દેવતાની પૂજા કરવાથી સર્પ ભય દૂર થાય છે અને પરિવારનું કલ્યાણ થાય છે. આ દિવસે મહિલાઓ પોતાના ભાઈઓ અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે પણ પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે નાગ પંચમીના દિવસે નાગ દેવતાની સાથે ભગવાન શિવની પૂજા અને રૂદ્રાભિષેક કરવાથી કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે.
ઉજ્જૈનનું નાગચંદ્રેશ્વર મંદિર: વર્ષમાં 24 કલાક જ ખુલે છે
મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલા મહાકાલેશ્વર મંદિરના ઉપરના ભાગમાં આવેલું નાગચંદ્રેશ્વર મંદિર વર્ષમાં ફક્ત એક જ વાર 24 કલાક માટે જ નાગપાંચમના દિવસે ખુલે છે. આ જ કારણ છે કે આ દિવસે લાખો ભક્તો ઉજ્જૈનની મુલાકાત લે છે. આ વર્ષે પણ મધ્યરાત્રિએ 12 વાગ્યે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ખાસ પૂજા પછી, મહા નિર્વાણી અખાડાના સંતોએ ભગવાન નાગચંદ્રેશ્વરનો દૂધ અને પાણીથી અભિષેક કર્યો અને ત્યારબાદ મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવ્યું,
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર આ વખતે લગભગ 8 લાખ ભક્તો દર્શનાર્થે ઉજ્જૈન પહોંચ્યા છે. મોડી રાત સુધી મંદિરની બહાર ભક્તો લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા. કેટલાક ઉત્તર પ્રદેશથી આવ્યા હતા, તો કેટલાક ગુજરાતથી, દરેકની આંખોમાં એક જ ઇચ્છા હતી ભગવાન નાગચંદ્રેશ્વરના દર્શન. મધ્યપ્રદેશમાં શ્રાવણ માસ વહેલા શરુ થતો હોવાથી ત્યાં આજે નાગકપંચમી ઉજવવામાં આવી રહી છે.
નાગચંદ્રેશ્વર મંદિરની પૌરાણિક કથા
આ મંદિર વર્ષમાં એક જ વાર ખોલવા પાછળ એક પૌરાણિક કથા છે. કથા અનુસાર, નાગરાજ તક્ષકે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભોલેનાથે તેમને અમરત્વનું વરદાન આપ્યું. પરંતુ તક્ષક હંમેશા ભગવાન શિવની સાનિધ્યમાં રહેવા માંગતા હતા, તેથી તેમણે મહાકાલ વનમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. ભગવાન શિવે તેમને અનુમતિ આપી અને આશીર્વાદ આપ્યા કે તેમને એકાંતમાં કોઈ વિક્ષેપ નહીં પડે, તેથી જ વર્ષમાં ફક્ત નાગપાંચમના દિવસે જ આ મંદિર ખોલવામાં આવે છે.
![]() |
(PHOTO - @https://x.com/ujjainmahakal) |
નાગચંદ્રેશ્વર મંદિરમાં ત્રિકાલ પૂજા
શ્રી નાગચંદ્રેશ્વરનું દુર્લભ સ્વરૂપ શ્રી મહાકાલેશ્વર મંદિરના ત્રીજા માળે સ્થાપિત છે, જેને નાગરાજ તક્ષકનું નિવાસસ્થાન પણ કહેવાય છે. માન્યતા છે કે આ મંદિરમાં નાગચંદ્રેશ્વરના દર્શન કર્યા પછી વ્યક્તિ કોઈપણ પ્રકારના સર્પ દોષથી મુક્ત થઈ જાય છે.
મંદિરના દરવાજા ખુલતાંની સાથે જ ત્રિકાલ પૂજાનો પણ રિવાજ છે, એટલે કે ત્રણ અલગ-અલગ સમયે પૂજા કરવામાં આવે છે. જેમાં...
પ્રથમ પૂજા: મધ્યરાત્રિ 12 વાગ્યે કપાટ ખુલ્યા બાદ મહાનિર્વાણી અખાડા દ્વારા કરવામાં આવે છે.
બીજી પૂજા: નાગ પંચમીના દિવસે બપોરે 12 વાગ્યે વહીવટી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.
ત્રીજી પૂજા: સાંજે સાડા સાત વાગ્યે ભગવાન મહાકાલની સંધ્યા આરતી પછી મંદિર સમિતિના પુરોહિતો અને પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે.
ત્યારબાદ રાત્રે બાર વાગ્યે આરતી પછી મંદિરના દરવાજા ફરી એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.