Pradosh Kaal : હિંદુ ધર્મશાસ્ત્રમાં ‘પ્રદોષ કાળ’ને અત્યંત પવિત્ર અને પરમ શુભ સમય તરીકે સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સમયમાં દિવસ અને રાત્રિનું મિલન થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર સમયે બ્રહ્માંડમાં દિવ્ય ઊર્જાનો પ્રવાહ અતિશય વધી જાય છે. જો આ સમય દરમિયાન કોઈપણ પૂજા-સાધના કરવામાં આવે તો સાધકને તેનું અનેકઘણું ફળ પ્રાપ્ત થાય છે.
પ્રદોષ કાળનો સમયગાળો ભગવાન શિવને સમર્પિત
પ્રદોષ કાળનો સમયગાળો સૂર્યાસ્ત થયા બાદ શરૂ થાય છે અને લગભગ 48 મિનિટ સુધી રહે છે. આ સંપૂર્ણ સમયગાળો દેવાધિદેવ ભગવાન શિવને સમર્પિત છે. માન્યતા છે કે, પ્રદોષ કાળના સમયગાળામાં ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરે છે, તેથી આ સમયગાળામાં આરાધના કરવામાં આવે તો તેનું અનેકઘણું ફળ પ્રાપ્ત થાય છે.
પ્રદોષ કાળમાં અવશ્ય કરવા જેવા શુભ કાર્યો
શિવ ઉપાસના માટે પ્રદોષ કાળ એ શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આ પવિત્ર સમય દરમિયાન કરવામાં આવતા કેટલાક સરળ ઉપાયોથી જીવનની સમસ્યાઓનો અંત આવે છે અને મનને શાંતિ મળે છે.
શિવલિંગની વિધિવત્ પૂજા કરો
પ્રદોષ કાળનો આરંભ થતાં જ સ્નાન કરીને નજીકના શિવ મંદિરે જવું જોઈએ. જો મંદિર જવું શક્ય ન હોય, તો ઘરમાં જ શિવલિંગનું પૂજન કરવું ઉત્તમ ગણાય છે. એવી માન્યતા છે કે, આ આરાધનાથી વિવાહમાં આવતી અડચણો, વ્યાપારિક સમસ્યાઓ અને સ્વાસ્થ્ય સંબંધી કષ્ટોનું નિવારણ થાય છે. ભક્તોએ સફેદ ચંદનથી ‘ॐ’ લખીને બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરવા, ત્યારબાદ એક લોટો સ્વચ્છ જળ અથવા કાચું દૂધ ચઢાવવું અને ભગવાન શિવને ખીર, ગોળ કે યથાશક્તિ અન્ય ભોગ અર્પણ કરવો.
આ પણ વાંચો : 2026માં આ રાશિના જાતકોને નડશે શનિની સાડાસાતી, 2027 સુધી પીછો નહીં છોડે!
મહામૃત્યુંજય મંત્રનો દિવ્ય જાપ
પ્રદોષ કાળમાં કોઈ શાંત અને એકાંત જગ્યાએ આસન લગાવીને બેસવું. ત્યારબાદ રુદ્રાક્ષની માળા વડે મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો અત્યંત ફળદાયી માનવામાં આવે છે. આ શક્તિશાળી મંત્રથી માનસિક શાંતિ પ્રાપ્ર થાય છે, તેમજ તમામ પ્રકારના ભય દૂર થાય છે અને શરીરને સકારાત્મક ઊર્જાથી મજબૂત બનાવે છે.
ઘરના મુખ્ય દ્વારે દીપ પ્રાગટ્ય
પ્રદોષ કાળ શરૂ થાય, ત્યારે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુએ શુદ્ધ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. શાસ્ત્રોક્ત માન્યતા છે કે, આ ક્રિયા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનું સંચારણ થાય છે, નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને ધન-વૈભવના દેવી મા લક્ષ્મીની અવિરત કૃપા બની રહે છે.
આ પણ વાંચો : 2026માં 4 વખત ગ્રહણની અશુભ છાયા! જાણો ભારતમાં ક્યારે ક્યારે લાગશે સૂતક


